બર્મિંઘમઃ લુંગી એનગિડીની વાપસીથી મજબૂત થયેલી સાઉથ આફ્રિકાની ટીમ આઈસીસી વિશ્વકપ 2019ની 25મી મેચમાં આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. બંન્ને ટીમ જ્યારે મેદાન પર ઉતરશે તો આફ્રિકન ટીમનો ઇરાદો 2015ના વિશ્વકપની સેમીફાઇનલમાં મળેલા પરાજયનો બદલો લેવા પર હશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને પહોંચવા પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાનો વિશ્વકપ 2015મા ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. પરંતુ આ વખતે તેનું વિશ્વ કપ અભિયાન ખરાબ અંદાજમાં શરૂ થયું છે. તેને પોઈન્ટ ટેબલમા સૌથી છેલ્લા સ્થાને રહેલી અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર જીત મળી છે, પરંતુ તેણે શરૂઆતી ત્રણ મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. 


ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને એનરિચ નાત્ર્જે ઈજાગ્રસ્ત થયા બાદ આફ્રિકાની બોલિંગ નબળી થઈ છે. નગિડી પણ ઈજા બાદ ટીમમાં પરત ફર્યો છે. એઝવેસ્ટનની સ્પિનને મદદરૂપ પિચ પર અનુભવી સ્પિનર ઇમરાન તાહિરની ભૂમિકા મહત્વની રહેશે. બેટિંગમાં હાશિમ અમલા અને ડી કોકે પાછલી મેચમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. 


બીજીતરફ ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. તમામ ડિપાર્ટમેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આફ્રિકાની બેટિંગને જોતા ન્યૂઝીલેન્ડની ટીમ બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 3 કલાકે શરૂ થશે.