બ્રિસ્ટલઃ વેસ્ટઈન્ડિઝે મંગળવારે આઈસીસી વિશ્વ કપમાં પોતાના બીજા પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડને 91 રને પરાજય આપ્યો હતો. કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રેક્ટિસ મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 421 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પણ આ મોટા લક્ષ્યનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટીમ 47.2 ઓવરમાં 337 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ભારતને પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ માટે શાઈ હોપે 86 બોલ પર નવ ચોગ્ગા અને ચાક છગ્ગાની મદદથી 101 રન ફટકાર્યા હતા. ઇવિન લુઇસે 54 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન જેસન હોલ્ડર, આંદ્રે રસેલ, બ્રેથવેટ, અને એશ્લે નર્સની આક્રમક ઈનિંગની મદદથી ટીમે સ્કોર 400ને પાર પહોંચાડ્યો હતો. 


આંદ્રે રસેલે 25 બોલ પર 54 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હોલ્ડરે 32 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. તો બ્રેથવેટે 16 બોલમાં 24 રન બનાવ્યા હતા. નર્સ માત્ર 9 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવી અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ચાર વિકેટ ઝડપી હતી. તો મેટ હેનરીને બે સફલતા મળી હતી. જિમ્મી નિશામ અને સેન્ટનર એક-એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા. 


વિશ્વ કપ પહેલા ICC રેન્કિંગમાં ટોપ પર વિરાટ અને બુમરાહ 

કીવી ટીમ માટે ટોમ બ્લંડલ ટોપ સ્કોરર રહ્યો હતો. ટોમે 89 બોલનો સામનો કરતા આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન કેને 64 બોલમાં 84 રન ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે બ્રેથવેટે ત્રણ, ફેબિયાન એલેને બે તથા શેલ્ડન કોટરેલ, કેમાર રોચ, ઓશાને થોમસ અને નર્સે એક-એક વિકેટ ઝડપી હતી.