નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો ખુબ શાનદાર રહ્યો. ભારતીય ટીમે પ્રથમ મેચ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરતા કાંગારૂ ટીમને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. આ સિરીઝ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. ભારતની ધમાકેદાર જીત બાદ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ભારતીય ટીમ હાલ ટેબલમાં બીજા સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેલબોર્નમાં ભારતની જીત બાદ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ફેરફાર થયો છે. ભારત વિરુદ્ધ હાર બાદ ઓસ્ટ્રેલિયાને નુકસાન થયું છે પરંતુ તે હજુ પ્રથમ સ્થાને છે. તો ભારત બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. હાલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ટેસ્ટ મેચ ચાલી રહી છે. જો તે મેચમાં ન્યૂઝીલેન્ડ જીતશે તો ફરી પોઈન્ટ ટેબલમાં ફેરફાર થઈ શકે છે. 


આ સમયે પ્રથમ સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના ખાતામાં 77 ટકા જીત નોંધાયેલી છે જ્યારે ભારતીય ટીમે જીતની ટકાવારી હવે 72 કરી લીધી છે. ન્યૂઝીલેન્ડની જીતની ટકાવારી 62 છે અને તે ત્રીજા સ્થાન પર છે. 60 ટકા જીતની સાથે ઈંગ્લેન્ડ ચોથા જ્યારે 39 ટકાની સાથે પાકિસ્તાન પાંચમાં સ્થાને છે. 


તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે ટેસ્ટ ચેમ્પિયનશિપના ઘણા મુકાબલા સ્થગિત થયા હતા. તેના કારણે ટીમના રેન્કિંગને જીત બાદ હાસિલ પોઈન્ટના સ્થાને જીત અને હારના ટકાવારીના આધારે નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.