સાઉથ આફ્રિકા સામે 2-1થી સીરિઝ હારી જવાથી ભારતીય ટીમની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની આશાને પણ આંચકો લાગ્યો છે. ભારતીય ટીમને કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાની સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જ ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમેથી પાંચમા સ્થાને ખસી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચમા ક્રમેથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. જુલાઈ 2021 થી 2023 સુધી ચાલનારા આ સાઇકલમાં સાત મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ સમયગાળા દરમિયાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સૌથી વધુ મેચ રમાઈ છે. ભારતે નવ મેચ રમી છે અને તેમાંથી ચાર જીતી છે. બે મેચ ડ્રો રહી છે જ્યારે 3માં ટીમનો પરાજય થયો છે.


જીતમાં આગળ, જીતની ટકાવારીમાં પાછળ
ડબલ્યુટીસીની આ સાઇકલમાં મેચ જીતવાના મામલે ભારત આગળ છે, પરંતુ તેણે તેના માટે ઘણી મેચો પણ રમી છે. તેથી જીતની ટકાવારી 50 કરતા ઓછી છે. ICCના નવા નિયમો અનુસાર, વધુ ટેસ્ટ જીતવાથી WTCના પોઈન્ટ ટેબલ પર કોઈ અસર થતી નથી. હવે ફરક જીતની ટકાવારીમાં છે.


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો અનુસાર, પોઈન્ટ ટેબલમાં ટીમનું સ્થાન જીતની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે, કોણે કેટલી મેચ રમી છે અને તેમાં કેટલી જીત, હાર અને ડ્રો મળી છે.


કયા આધારે પોઈન્ટ મળે છે?
ICCના નિયમો અનુસાર, મેચ જીતવા માટે, વિજેતા ટીમને 12 પોઈન્ટ મળે છે. બીજી તરફ, જો મેચ ડ્રો થાય છે, તો બંને ટીમોને ચાર-ચાર પોઈન્ટ મળે છે અને હારનાર ટીમને કોઈ પોઈન્ટ મળતો નથી. જો ટાઈ થાય તો બંને ટીમોને છ-છ પોઈન્ટ મળે છે. તે જ સમયે, પોઈન્ટ ટેબલની રેન્કિંગ દરેક મેચમાં ટીમ દ્વારા મેળવેલા પોઈન્ટ્સની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે. એક મેચમાં માત્ર 12 પોઈન્ટ છે.


ભારતીય ટીમ એક ક્રમ નીચે સરકી
ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી હાર સાથે ટીમ ઈન્ડિયા જીતની ટકાવારીમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. ભારતની જીતની ટકાવારી 49.07 છે. ધીમી ઓવર રેટના કારણે ટીમ ઈન્ડિયાને પણ ત્રણ પોઈન્ટનું નુકસાન થયું છે, જેના કારણે તેના પોઈન્ટ પણ 53 થઈ ગયા છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ સતત બે ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. તેણે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને બે જીત સાથે 24 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી 66.66 છે. જેના કારણે ટીમ ચોથા સ્થાને છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube