જો સીનિયર ખેલાડી પ્રદર્શન નહીં કરે તો યુવાઓને તક મળશેઃ MSK પ્રસાદ
ભારતે આ વર્ષે વિદેશની ધરતી પર 6 ટેસ્ટ ગુમાવી છે, જ્યારે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કહી રહ્યાં છે કે વિદેશના પ્રવાસ કરનારી ભારતની સર્વશ્રેષ્ઠ ટીમ છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસ પર વનડે અને ટેસ્ટ મેચ શ્રેણી હારીને પરત ફરેલી ટીમ ઈન્ડિયાની દરેક જગ્યાએ આલોચના થઈ રહી છે. ભારત 3 મેચોની વનડે શ્રેણી 1-2 અને 5 મેચોની ટેસ્ટ શ્રેણી 1-4થી હારી હતી. ઈંગ્લેન્ડમાં મળેલા આ પરાજય માટે રવિ શાસ્ત્રીનું કોચિંગ, વિરાટ કોહલીનું સુકાન, ટીમ સિલેક્ટર્સનું સિલેક્શન અને ખેલાડીઓના પ્રદર્શન પર સવાલ ઉભા થયા હતા. હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પણ ખેલાડીઓને ચેતવણી આપી છે. તેનું કહેવું છે કે જો ખેલાડી પ્રદર્શન નહીં કરે તો નવા ખેલાડીઓને તક આપવામાં આવશે.
ભારતે આ વર્ષે વિદેશની ધરતી પર 6 ટેસ્ટ ગુમાવી છે, જ્યારે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કહી રહ્યાં છે કે આ વિદેશી પ્રવાસ કરનારી ભારતની સર્વશ્રેષ્ઠ ટીમ છે. ભારતીય ટીમ હવે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે જેમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની સેવાઓ પર પ્રતિબંધને કારણે વિરાટ સેના પોતાના પ્રદર્શન સુધારવાનો પ્રયત્ન કરશે.
ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા અને તેની પસંદગી પર ઉઠી રહેલા સવાલો પર મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ઘણી તક આપ્યા બાદ ખેલાડી પ્રદર્શન નહીં કરી શકે તો યુવાઓને તક આપવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે ડોમેસ્ટિક ક્રિકેટ અને ઈન્ડિયા એ માટે રમનારા યુવા ક્રિકેટરો પર નજર રાખી રહ્યાં છીએ. જે ખેલાડી સારૂ કરશે તેને જરૂર તક આપવામાં આવશે.
મયંકના સવાલ પર આપ્યો આ જવાબ
મયંક અગ્રવાલને અત્યાર સુધી ટીમ ઈન્ડિયામાં તક ન આપવાના સવાલ પર એમએસકે પ્રસાદનું કહેવું છે કે અમારી કમિટી સતત ડોમેસ્ટિક ક્રિકેટ અને ક્રિકેટરો પર નજર રાખી રહ્યાં છીએ. છેલ્લા 10 મહિનામાં મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. અમે સતત મયંક પર નજર રાખી રહ્યાં છીએ. તે ખુબ સારૂ કરી રહ્યો છે અને જલદી તેને ઈનામ પણ મળશે.