નવી દિલ્હીઃ રોહિત શર્મા (131 રન) અને જસપ્રીત બુમરાહ (4 વિકેટ) ના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપમાં અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવી સતત બીજી જીત મેળવી છે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 272 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતે 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માની રેકોર્ડ ઈનિંગ
અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરવાની સાથે રોહિત શર્માએ આક્રમક વલણ અપનાવ્યું હતું. રોહિત શર્માએ પોતાની ઈનિંગમાં અનેક રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યાં હતા. રોહિત શર્માએ 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે રોહિત શર્માએ વિશ્વકપમાં સાતમી સદી ફટકારી હતી. રોહિત હવે આઈસીસી વનડે વિશ્વકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે સચિન (6) સદીનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે પોતાની ઈનિંગમાં 5 સિક્સ ફટકારી હતી. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર પણ બની ગયો છે. તેણે આ મામલે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. 


રોહિત-કિશન વચ્ચે સદીની ભાગીદારી
અફઘાનિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શરૂઆત આક્રમક રીતે કરી જ્યારે ઈશાન કિશન શાંત રહ્યો હતો. બંનેએ પ્રથમ પાવરપ્લેમાં 94 રન ફટકારી દીધા હતા. ઈશાન કિશન અને રોહિત શર્માએ 18.4 ઓવરમાં 156 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશન 47 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 47 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. જ્યારે રોહિત શર્મા 84 બોલમાં 16 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 131 રન બનાવી આઉટ થયો હતો. 


કોહલીની અડધી સદી
વિરાટ કોહલીએ 56 બોલમાં 6 ચોગ્ગા સાથે અણનમ 55 રન ફટકાર્યા હતા. જ્યારે શ્રેયસ અય્યર 23 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 25 રન બનાવી અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી બે વિકેટ રાશિદ ખાનને મળી હતી. રાશિદે 8 ઓવરમાં 57 રન આપી બે સફળતા મેળવી હતી. 


અફઘાનિસ્તાનની ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમને 32 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઈબ્રાહિમ ઝાદરાન 22 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રહમાનુલ્લાહ ગુરબાઝ 28 બોલમાં 21 રન બનાવી હાર્દિકની ઓવરમાં આઉટ થયો હતો. અફઘાનિસ્તાને 63 રનનો સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રહમત શાહ 16 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. 


શાહિદી અને ઓમરઝઈની અડધી સદી
પાકિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને ઓમરઝઈ વચ્ચે ચોથી વિકેટ માટે 121 રનની ભાગીદારી થઈ હતી. બંને બેટરોએ શાનદાર અડધી સદી ફટકારી હતી. શાહિદી 88 બોલમાં 8 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 80 રન બનાવી આઉટ થયો હતો. તો ઓમરઝઈએ 69 બોલમાં ચાર સિક્સ અને 2 ચોગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા. શાહિદી કુલદીપ યાદવનો તો ઓમરઝઈ હાર્દિક પંડ્યાનો શિકાર બન્યા હતા. 


મોહમ્મદ નબી 19 રન બનાવી આઉટ થયો હતો. નજીબુલ્લાહ ઝાદરાને 2 અને રાશિદ ખાને 16 રનનું યોગદાન આપ્યું હતું. મુઝીર ઉર રહમાન 10 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 39 રન આપી 4 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 43 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube