બેંગલોરઃ ભારતીય ટીમે સૌથી રોમાંચક ટી20 મેચમાં બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને 10 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે 3 મેચની સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે. બેંગલુરૂમાં રમાયેલી અંતિમ ટી20 મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 212 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી. પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમે 16-16 રન બનાવતા ફરી ટાઈ થઈ હતી. ત્યારબાદ ભારતે બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી સુપર ઓવરનો રોમાંચ
ભારતે બીજી સુપર ઓવરમાં 5 બોલમાં બે વિકેટ ગુમાવી 11 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાનને જીત માટે 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાને 1 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. જેથી ભારતનો 10 રને વિજય થયો હતો. બીજી સુપર ઓવરમાં ભારત તરફથી રવિ બિશ્નોઈએ બોલિંગ કરી હતી અને ત્રણ બોલમાં બે વિકેટ ઝડપી લીધી હતી.
 
સુપર ઓવર પણ ટાઈ
પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 16 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારત તરફથી રોહિત શર્મા અને જયસ્વાલ મેદાનમાં આવ્યા હતા. ભારતે પણ સુપર ઓવરમાં 16 રન બનાવતા સુપર ઓવર ટાઈ રહી હતી. 


અફઘાનના બંને ઓપનરોની અડધી સદી
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમને બંને ઓપનરે સારી શરૂઆત અપાવી હતી. ગુરબાઝે 32 બોલમાં 3 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે 50 રન બનાવ્યા હતા. જ્યારે ઇબ્રાહિમ ઝાદરાને 41 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઓમરઝઈ શૂન્ય રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. 


મોહમ્મદ નબીએ 16 બોલમાં 3 સિક્સ અને બે ફોર સાથે 34 રન બનાવ્યા હતા. કરિમ જનત 2 રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે નજીબુલ્લાહ ઝાદરાનને 5 રન પર આવેશ ખાને આઉટ કર્યો હતો. ગુલબદ્દીન નાયબે 23 બોલમાં 4 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે અણનમ 55 રન બનાવ્યા હતા. ગુલબદ્દીનની ઈનિંગની મદદથી અફઘાનિસ્તાનની ટીમ મેચ ટાઈ કરાવવામાં સફળ રહી હતી.


ભારતે 22 રનમાં ગુમાવી 4 વિકેટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ 22 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જાયસવાલ (4), વિરાટ કોહલી (0) અને સંજૂ સેમસન (1) ફરીદ અહમદના શિકાર બન્યા હતા. જ્યારે શિવમ દુબે 1 રન બનાવી અઝમાતુલ્લાહની ઓવરમાં આઉટ થયો હતો. 


રોહિત શર્માની શાનદાર સદી
એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. પરંતુ પ્રથમ બે ટી20 મેચમાં શૂન્ય પર આઉટ થયેલા રોહિતે ટીમને સંભાળી હતી. રોહિત શર્માએ ધીમી શરૂઆત આક્રમક વલણ અપનાવ્યું હતું. રોહિતે પોતાના ટી20 કરિયરની પાંચમી સદી ફટકારી હતી. રોહિત ટી20 આંતરરાષ્ટ્રીયમાં પાંચ સદી ફટકાનાર પ્રથમ બેટર બની ગયો છે. રોહિત શર્માએ 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 સિક્સ સાથે અણનમ 121 રન બનાવ્યા હતા. 


રિંકુ સાથે 190 રનની ભાગીદારી
ભારતીય ટીમે 22 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રોહિત શર્મા અને રિંકુ સિંહે પાંચમી વિકેટ માટે રેકોર્ડ 190 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહ 39 બોલમાં 2 ચોગ્ગા અને છ છગ્ગા સાથે 69 રન બનાવી અણનમ રહ્યો હતો. રોહિત અને રિંકુની શાનદાર બેટિંગની મદદથી ભારતીય ટીમ 200થી વધારે રન બનાવવામાં સફળ રહી હતી.