IND vs AUS: ગાયકવાડની સદી પર ગ્લેન મેક્સવેલે ફેરવ્યું પાણી, ઓસ્ટ્રેલિયાનો 5 વિકેટે વિજય
ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટી20 સિરીઝની ત્રીજી મેચમાં શાનદાર વાપસી કરતા ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીવંત રાખી છે. ભારત પાંચ મેચની સિરીઝમાં 2-1થી આગળ છે.
ગુવાહાટીઃ ઓસ્ટ્રેલિયાએ ભારતને ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી ટી20 મેચમાં પાંચ વિકેટે હરાવી દીધુ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગ્લેન મેક્સવેલની અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 225 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
223 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને ટ્રેવિસ હેડ અને હાર્ડીએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી. હાર્ડી 12 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વિકેટ 47 રનના સ્કોર પર બનાવી હતી. ત્યારબાદ ટ્રેવિસ હેડ 18 બોલમાં 35 રન બનાવી આઉટ થયો હતો. આવેશ ખાને તેને આઉટ કર્યો હતો. રવિ બિશ્નોઈએ જોશ ઈંગ્લિશને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. માર્કસ સ્ટોયનિસ અને મેક્સવેલ વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. સ્ટોયનિસ 21 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. ટિમ ડેવિડ શૂન્ય રન બનાવીઆઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે 48 બોલમાં 8 ફોર અને 8 સિક્સની મદદથી 48 બોલમાં અણનમ 104 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન મેથ્યૂ વેડ 16 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા રુતુરાજની સદીની મદદથી 20 ઓવરમાં 3 વિકેટે 222 રન ફટકાર્યા હતા. ગાયકવાડે 57 બોલમાં 13 ચોગ્ગા અને 7 સિક્સની મદદથી અણનમ 123 રન ફટકાર્યા હતા. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. યશસ્વી જાયસવાલ 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ઈશાન કિશન પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે 29 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 39 રન બનાવ્યા હતા. તે આરોન હાર્ડીનો શિકાર બન્યો હતો. તિલક વર્માએ 24 બોલમાં 4 ચોગ્ગા સાથે 31 રન બનાવી આઉટ થયો હતો. તિલક અને ગાયકવાડે ચોથી વિકેટ માટે 58 બોલમાં 141 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસન, આરોન હાર્ડી અને બેહરેનડોર્ફે એક-એક વિકેટ લીધી હતી.