નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવી દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ ખુબ રોમાંચક રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 263 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 1 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે બીજી ઈનિંગમાં 1 વિકેટે 61 રન બનાવી લીધા છે. દિવસના અંતે ટ્રેવિસ હેડ 39 અને માર્નસ લાબુશેન 16 રન બનાવી ક્રિઝ પર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની પ્રથમ ઈનિંગનો રોમાંચ
રોહિત શર્મા અને કેએલ રાહુલે બીજા દિવસે ભારતની ઈનિંગ આગળ વધારી હતી. દિવસની શરૂઆતમાં બંનેએ ધીમી બેટિંગ કરી વિકેટ બચાવી હતી. પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરી અને રાહુલ (17) ને નાથન લાયને આઉટ કર્યો હતો. ત્યારબાદ પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલ ચેતેશ્વર પુજારા ખાતું ખોલાવ્યા વગર લાયનનો શિકાર બન્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 32 રન બનાવી લાયનની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારતે 54 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ અય્યર માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. 


ભારતીય ટીમે 66 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કોહલી અને જાડેજાએ ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. જાડેજા (26) મર્ફીનો શિકાર બન્યો હતો. કોહલી 44 રન બનાવી કુહનેમેનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. શ્રીકર ભરત 6 રન બનાવી લાયનનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમે 139 રનના સ્કોર પર પોતાની સાતમી વિકેટ ગુમાવી હતી. 


આ પણ વાંચોઃ IND vs AUS: વિરાટ કોહલીની વિકેટ પર બબાલ, અમ્પાયર પર કાઢી ભડાસ, ટીમ ઈન્ડિયા ગુસ્સામાં


અક્ષર અને અશ્વિન વચ્ચે મોટી ભાગીદારી
ભારતીય ટીમ એક સમયે સંકટમાં હતી અને લાગી રહ્યું હતું કે અહીંથી ઓસ્ટ્રેલિયા મોટી લીડ મેળવી શકે છે. પરંતુ અક્ષર પટેલ અને આર અશ્વિને મેચમાં ભારતની શાનદાર વાપસી કરાવી હતી. બંનેએ આઠમી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન 71 બોલમાં 5 ચોગ્ગા સાથે 37 રન બનાવી આઉટ થયો હતો. અક્ષર પટેલે 115 બોલમાં 3 સિક્સ અને 9 ચોગ્ગા સાથે 74 રન બનાવી આઉટ થયો હતો. 


ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને 67 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય કુનહેનમેન તથા મર્ફીને બે-બે અને કમિન્સને એક વિકેટ મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube