તિરૂવનંથપુરમઃ સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને બીજી ટી20 મેચમાં 44 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ત્રણ બેટરોની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 235 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 191 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ઓપનર મેથ્યૂ શોર્ટ 19 રન બનાવી રવિ બિશ્નોઈનો શિકાર બની હતી. સ્ટીવ સ્મિથ પણ 19 રન બનાવી આઉટ થયો હતો. જોશ ઈંગ્લિશ માત્ર બે રન બનાવી શક્યો હતો. ઈંગ્લિશને બિશ્નોઈએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ગ્લેન મેક્સવેલ પણ 12 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. 


ઓસ્ટ્રેલિયા તરફશી માર્કસ સ્ટોયનિસે 25 બોલમાં 4 સિક્સ અને 2 ચોગ્ગાની મદદથી 45 રન ફટકાર્યા હતા. ટિમ ડેવિડે 22 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 37 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન મેથ્યૂ વેડે 23 બોલમાં ચાર સિક્સ અને એક ફોર સાથે અણનમ 42 રન બનાવ્યા હતા. શેન એબોટ, નાથન એલિસ અને એડમ ઝમ્પા એક-એક રન બનાવી આઉટ થયા હતા. 


ભારત તરફતી રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 3 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ત્રણ સફળતા મળી હતી. મુકેશ કુમાર, અર્શદીપ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી. 


આ પણ વાંચોઃ IPL 2024: હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, છોડી દીધો ગુજરાત ટાઈટન્સનો સાથ


આ રીતે ભારતે બનાવ્યા 235 રન
ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને શાનદાર શરૂઆત મળી હતી. ઓપનિંગ કરવા ઉતરેલા ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસવાલે પ્રથમ વિકેટ માટે 35 બોલમાં 77 રનની ભાગીદારી કરી હતી, જેનો અંત છઠ્ઠી ઓવરમાં યશસ્વી આઉટ થતાં થયો હતો. યશસ્વી જાયસવાલે પ્રથમ બોલથી આક્રમક બેટિંગ કરી હતી. આ ઓપનરે 25 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 53 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 212ની રહી હતી. 


ત્યારબાદ 16મી ઓવરમાં ભારતનો બીજો ઝટકો ઈશાન કિશનના રૂપમાં લાગ્યો હતો. ઈશાન કિશન 32 બોલમાં 3 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 52 રન બનાવી આઉટ થયો હતો. આઉટ થતાં પહેલા ઈશાન કિશને ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો કેપ્ટન સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો. સૂર્યકુમાર યાદવ 10 બોલમાં બે સિક્સની મદદથી 19 રન બનાવી આઉટ થયો હતો. 


ઋતુરાજ ગાયકવાડ પણ અડધી સદી ફટકારી આઉટ થયો હતો ગાયકવાડે 43 બોલમાં 3 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 58 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવરમાં રિંકૂ સિંહે આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 235 રન સુધી પહોંચાડ્યો હતો. રિંકૂ સિંહે માત્ર 9 બોલમાં 4 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી અણનમ 31 રન બનાવ્યા હતા, જ્યારે તિલક વર્મા 7 રન બનાવી અણનમ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube