ભારત 36 વર્ષથી દિલ્હીમાં એકપણ ટેસ્ટ હાર્યું નથી: અહીં છેલ્લી હાર ત્યારે થઈ જ્યારે સચિને ક્રિકેટમાં પગ મૂક્યો નહોતો કે કોહલીનો જન્મ થયો ન હતો
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ભારતીય ટીમ અજેય રહી છે.
નવી દિલ્હીઃ બીજી ટેસ્ટ એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દિલ્હીમાં રમાશે. આ આઠમી વખત હશે જ્યારે બંને ટીમો દિલ્હીમાં આમને-સામને થશે. ભારતીય ટીમ છેલ્લા 36 વર્ષથી ટેસ્ટમાં આ મેદાન પર અજેય રહી છે. આ દરમિયાન ટીમે અહીં રમાયેલી 12માંથી 10 મેચ જીતી છે, જ્યારે માત્ર 2 મેચ ડ્રો રહી છે.
છેલ્લી વખત ભારત આ મેદાન પર 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગયું હતું. જો કે, તે ટીમમાં ગોર્ડન ગ્રીનિજ, વિવ રિચર્ડ્સ, માલ્કમ માર્શલ જેવા સ્ટાર્સ હતા. તે સમયે સચિને ડેબ્યૂ કર્યું ન હતું, કોહલીનો જન્મ પણ નહોતો થયો અને રોહિત માત્ર 7 મહિનાનો હતો.
ટીમ ઈન્ડિયાએ અહીં ઓસ્ટ્રેલિયા સહિત પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા છેલ્લે 64 વર્ષ પહેલા 1959માં અહીં જીત્યું હતું અને ત્યારથી ટીમ 6માંથી 3 મેચ હારી છે. દિલ્હી અને ચેન્નાઈ ભારતના મેદાનોમાં સામેલ છે જ્યાં 5થી વધુ મેચ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી સૌથી ખરાબ છે.
આ પણ વાંચોઃ ચેતેશ્વર પુજારા દિલ્હીમાં ફટકારશે 'અનોખી સદી', આ ખાસ રેકોર્ડ લિસ્ટમાં થશે સામેલ
ભારત માટે દિલ્હી ટેસ્ટ કેમ મહત્વની છે
ભારત માટે દિલ્હી ટેસ્ટ જીતવી જરૂરી છે, કારણ કે જો ભારત જીતશે તો તે ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બની જશે. ઉપરાંત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં તેનું સ્થાન નક્કી કરશે. આ ટેસ્ટમાં જીતથી ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની જશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી વખત 2013માં દિલ્હી આવી હતી
ઓસ્ટ્રેલિયા છેલ્લે 2013માં દિલ્હીના આ મેદાન પર ટેસ્ટ રમવા આવ્યું હતું. તે દરમિયાન ભારતે અહીં 6 વિકેટે જીત મેળવી હતી. લગભગ 10 વર્ષ બાદ બંને ટીમો આ મેદાન પર આમને-સામને થશે.
1987માં ભારત છેલ્લી વખત હારી ગયું હતું
છેલ્લી વખત ભારત અરુણ જેટલી સ્ટેડિયમમાં 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગયું હતું. આ પછી આ મેદાન પર 12 ટેસ્ટ રમાઈ હતી જેમાંથી 2 ડ્રો રહી હતી અને 10 ભારતે જીતી હતી. ભારતે છેલ્લી ટેસ્ટ 2017માં શ્રીલંકા સામે રમી હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
વિરાટ કોહલીનું હોમ ગ્રાઉન્ડ
દિલ્હીનું આ મેદાન વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, ઈશાંત શર્મા અને આશિષ નેહરા જેવા દિગ્ગજ ખેલાડીઓનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ સચિન તેંડુલકરે અહીં સૌથી વધુ રન બનાવ્યા છે. સચિને અહીં 10 મેચ અને 19 ઇનિંગ્સમાં 759 રન બનાવ્યા છે. બીજી તરફ બોલિંગમાં અનિલ કુંબલેના નામે અહીં સૌથી વધુ (58) વિકેટ છે.
આ પણ વાંચોઃ સ્ટિંગમાં ફસાયેલા ચેતન શર્માનું CountDown શરૂ, 4 મહિનામાં બીજી વખત થશે 'OUT'
પિચ શું હોઈ શકે છે
શરૂઆતના દિવસોમાં બેટિંગ માટે પિચ ઉત્તમ રહેશે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરો ફરી પોતાનો જાદુ બતાવશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં આ ટ્રેક પર બહુ ઓછો ઉછાળો છે અને આ ટ્રેક બેટ્સમેનો માટે મુશ્કેલ સાબિત થશે. આ મેદાન પર પ્રથમ દાવમાં સરેરાશ 342 છે, જ્યારે ચોથી દાવમાં સરેરાશ 165 છે.
ભારતના સૌથી જૂના સ્ટેડિયમમાંનું એક
અરુણ જેટલી સ્ટેડિયમ તેના જૂના નામ ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડથી વધુ લોકપ્રિય છે. અહીં પ્રથમ ટેસ્ટ 10 નવેમ્બર 1948ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ 5 મેચની સિરીઝ રમવા માટે ભારત આવ્યું હતું. સ્ટેડિયમની ક્ષમતા 40,000 થી વધુ દર્શકોની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube