IND vs AUS: હૈદરાબાદ ટી20માં ઓસ્ટ્રેલિયાના સૂપડા સાફ, ભારતે 6 વિકેટથી હરાવી સિરીઝ 2-1થી જીતી
IND vs AUS 3rd T20: હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર ભારતે નિર્ણાયક મુકાબલામાં કાંગારૂ ટીમને વિકેટે પરાજય આપી સિરીઝ કબજે કરી લીધી છે.
હૈદરાબાદઃ વિશ્વકપ પહેલાં ભારતીય ટીમે વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદ ટી20 મેચમાં વિકેટે પરાજય આપી ત્રણ મેચોની સિરીઝ 2-1થી કબજે કરી લીધી છે. મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી20 મેચ હાર્યા બાદ રોહિત શર્માની ટીમે દમદાર વાપસી કરી અને કાંગારૂ ટીમને સતત બે મેચમાં હરાવી સિરીઝ કબજે કરી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ ટી20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 19.5 ઓલરમાં 4 વિકેટે 187 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
ભારતે 9 વર્ષ બાદ ઘરઆંગણે કાંગારૂ સામે સિરીઝ જીતી
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કર્યા બાદ 20 ઓવરમાં 7 વિકેટ પર 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ અંતિમ ઓવરમાં લક્ષ્ય હાસિલ કર્યો હતો. ભારત માટે સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 69 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલીએ 63 રનની ઈનિંગ રમી હતી. ભારતીય ટીમે 9 વર્ષ બાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ જીતી છે. મોહાલીમાં પ્રથમ મેચ હાર્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી છે.
કેએલ રાહુલ માત્ર 1 રન બનાવી ડેનિયલ સેમ્સનો શિકાર બન્યો હતો. રોહિત શર્માએ 14 બોલમાં 17 રન ફટકાર્યા હતા. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 69 રન બનાવી આઉટ થયો હતો. તો વિરાટ કોહલી 48 બોલમાં 4 સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 63 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 16 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 25 રન બનાવી અને કાર્તિક 1 રન બનાવી અણનમ રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો દમદાર રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 3 મેચની ટી20 સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો છે. મોહાલીમાં ભારતને હાર મળી હતી, પછી નાગપુરમાં 8 ઓવરની મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત હાસિલ કરી અને હવે હૈદરાબાદમાં કાંગારૂને પરાજય આપી સિરીઝ જીતી લીધી છે.
ટી20 ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે ખુબ સારો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 26 ટી20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 15 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube