નાગપુરઃ રવીન્દ્ર જાડેજા (47 રન 5 વિકેટ) અને આર અશ્વિન (3) વિકેટની મદદથી ભારતે નાગપુર ટેસ્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 1 વિકેટે 77 રન બનાવી લીધા છે. દિવસના અંતે રોહિત શર્મા 56 અને અશ્વિન 0 રન બનાવી ક્રિઝ પર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતની અડધી સદી, ભારત મજબૂત
ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કર્યાં બાદ ભારતીય ટીમે બેટિંગમાં સારી શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બોલથી મોર્ચો સંભાળ્યો હતો. રોહિતે માત્ર 65 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત અને રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી. રાહુલ 71 બોલમાં 20 રન બનાવી મર્ફીનો શિકાર બન્યો હતો. 


શમી-સિરાજે અપાવી શાનદાર શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. માત્ર 2 રનના સ્કોર પર બંને ઓપનર આઉટ થઈ ગયા હતા. ઉસ્માન ખ્વાજા (1) ને મોહમ્મદ સિરાજે LBW આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નર (1) ને ક્લિન બોલ્ડ કર્યો હતો. એટલે કે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય ઓસ્ટ્રેલિયાને ભારે પડ્યો હતો. 


આ પણ વાંચોઃ રવિચંદ્રન અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો વધુ એક ટેસ્ટ રેકોર્ડ, હાસિલ કરી મોટી સિદ્ધિ


રવીન્દ્ર જાડેજાની દમદાર વાપસી
પાંચ મહિના સુધી ઈજાને કારણે ક્રિકેટથી દૂર રહેલા રવીન્દ્ર જાડેજાએ નાગપુરમાં મજબૂત રીતે વાપસી કરી હતી. જાડેજાએ માત્ર 47 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાના મજબૂત બેટર માર્નસ લાબુશેન (49) અને સ્ટીવ સ્મિથ (37) ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. મેટ રેનશો (1) અને હેંડ્સકોમ્બ (36) પણ જાડેજાના શિકાર બન્યા હતા. ત્યારબાદ ટોડ મુર્ફીને આઉટ કરીને જાડેજાએ પાંચ વિકેટ પૂરી કરી હતી. 


અશ્વિનને મળી ત્રણ સફળતા
ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિનને નાગપુર ટેસ્ટમાં ત્રણ વિકેટ મળી હતી. અશ્વિને આ સાથે ટેસ્ટ કરિયરમાં 450 વિકેટ પૂરી કરી હતી. અશ્વિને એલેક્સ કેસી (36), મુર્ફી અને બોલાન્ડને આઉટ કર્યાં હતા. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 450 વિકેટ પૂરી કરનાર ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને 89મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube