AUS vs IND: ભારતીય ટીમને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત મોહમ્મદ શમી સિરીઝમાંથી બહાર
આજે એડિલેડ ટેસ્ટમાં બેટિંગ કરવા સમયે મોહમ્મદ શમીને પેટ કમિન્સનો બોલ હાથમાં વાગ્યો હતો. ત્યારબાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો. હવે સામે આવ્યું કે શમીને ફ્રેક્ચર છે અને તે આગળ રમી શકશે નહીં.
એડિલેડઃ ભારતીય ક્રિકેટ ટીમે ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હવે આ હાર બાદ મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ બીસીસીઆઈના સૂત્રો તરફથી જણાવ્યું કે, ઈજાગ્રસ્ત મોહમ્મદ શમી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મહત્વનું છે કે આજે એડિલેડ ટેસ્ટમાં બેટિંગ કરવા સમયે મોહમ્મદ શમીને પેટ કમિન્સનો બોલ હાથમાં વાગ્યો હતો. ત્યારબાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
મોહમ્મદ શમીને ફ્રેક્ચર
ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટમાં મુશ્કેલીમાં હતી. ટીમે 9 વિકેટ ગુમાવી ત્યારબાદ શમી ક્રિઝ પર આવ્યો હતો. પેટ કમિન્સના એક બાઉન્ડરથી બચવા જતા બોલ તેના હાથમાં વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ સખત દુખાવો થતા શમી મેદાન છોડી બહાર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે, શમીને હાથમાં ફ્રેક્ચર થયું છે. તે સિરીઝની બાકી ત્રણેય ટેસ્ટ મેચ રમી શકશે નહીં.
આ પણ વાંચોઃ હાર બાદ નિરાશ કોહલી બોલ્યો- ભાવનાઓ વ્યક્ત કરવા શબ્દો નથી, બેટ્સમેનો પર ગુસ્સો વ્યક્ત કર્યો
ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો
ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર બનાવતા ટીમ 36 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચ બાદ કેપ્ટન કોહલી પણ સ્વદેશ પરત ફરવાનો છે. હવે મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થતા ભારતની ચિંતા વધી છે. મહત્વનું છે કે અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો નથી. તો ઓપનર રોહિત શર્મા પણ ઓસ્ટ્રેલિયામાં છે, પણ તે ક્વોરેન્ટાઇનના નિયમોને કારણે બીજી ટેસ્ટ રમી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube