વિશાખાપટ્ટનમઃ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની શાનદાર અડધી સદીની મદદથી ભારતે પાંચ મેચની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે પરાજય આપી શાનદાર શરૂઆત કરી છે. આ સાથે ભારત સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 208 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 215 રન બનાવી મેચ જીતી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની જીત સાથે શરૂઆત
પાંચ મેચની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું છે. વિશાખાપટ્ટનમના ડો વાઈએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિશની તોફાની સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવ 80 અને ઈશાન કિશનની 58 રનની તોફાની ઈનિંગની મદદથી અંતિમ ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. પરંતુ રિંકૂ સિંહે એક બોલ બાકી રહેતા ભારતને જીત અપાવી હતી. રિંકૂ 14 બોલમાં 22 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 9 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 80 રન બનાવ્યા હતા. તો ઈશાન કિશને 39 બોલમાં પાંચ સિક્સ અને બે ચોગ્ગા સાથે 58 રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જાયસવાલ 21, તિલક વર્મા 12, અક્ષર પટેલ 2 રન બનાવી આઉટ થયા હતા. રિંકૂ સિંહ 14 બોલમાં 22 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

જોશ ઈંગ્લિશની શાનદાર સદી
ઓસ્ટ્રેલિયાના બેટર જોશ ઈંગ્લિશે પ્રથમ ટી20 મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ઈંગ્લિશે 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 સિક્સ સાથે 110 રન બનાવ્યા હતા. ઈંગ્લિશે 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. 


ઈંગ્લિશ સિવાય ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે 41 બોલમાં 8 ચોગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા. મેથ્યૂ શોર્ટ 11 બોલમાં 13 રન બનાવી આઉટ થયો હતો. માર્કસ સ્ટોયનિસ 6 બોલમાં 7 અને ટિમ ડેવિડ 13 બોલમાં 19 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube