IND vs ENG 4th Test : ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે ભારત પર 233 રનની લીડ મેળવી, ઈંગ્લેન્ડ 260/8
ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ્સઃ 246, ભારત પ્રથમ ઈનિંગ્સઃ 273, ભારતે ઈંગ્લેન્ડ પર 27 રનની લીડ મેળવી હતી
સાઉધમ્પ્ટનઃ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ રોમાંચક બનતી જઈ રહી છે. ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે દિવસ પૂરો થયો ત્યારે 8 વિકેટ ગુમાવીને 260 રન બનાવી લીધા હતા અને તેણે ભારત પર 233 રનની લીડ મેળવી છે. આ અગાઉ, બીજા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 273 રને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડને 27 રનની લીડ આપી હતી.
ઈંગ્લેન્ડ માટે બીજા દિવસની શરૂઆત સારી રહી ન હતી. તેણે 24ના સ્કોર પર ઓપનર એલિસ્ટર કૂકના સ્વરૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલો મોઈન અલી પણ વધુ સારું રમી શક્યો નહીં. તે અંગત 9 રનના સ્કોરે ઈશાંતના બોલ પર રાહુલના હાથે કેચઆઉટ થઈ ગયો. આમ ઈંગ્લેન્ડની 33 રનમાં બે વિકેટ પડી જતાં ટીમ થોડી દબાણમાં આવી ગઈ હતી.
ત્યાર બાદ કેટોન જેનિંગ્સ અને જો રૂટે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો. જોકે, કેટોન જેનિંગ્સ વધુ ટકી શક્યો નહીં. તે 36 રન બનાવીને શમીનો શિકાર બન્યો. ત્યાર બાદ આવેલા જોની બેરસ્ટોને પણ બીજા જ બોલે આઉટ કરીને શમીએ હેટ્રિકની તક મેળવી હતી. જોકે, તેના પછીનો બોલ ખાલી જતાં શમી હેટ્રિક ચુકી ગયો હતો.
લંચ સમયે ઈંગ્લેન્ડ 4 વિકેટ ગુમાવી દેતાં ભારતનું પાસું મજબુત થઈ ગયું હતું. લંચ બાદ ભારતે જો રૂટને રન આઉટ કરીને પાંચમી સફળતા મેળવી. તેણે ઈંગ્લેન્ડ માટે 48 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ત્યાર બાદ બેન સ્ટોક્સ અને જોસ બટલરે બાજી સંભાળી લેતાં ભારતીય બોલરોને મહેનત કરવી પડી રહી હતી.
ટી બ્રેક પડ્યો ત્યારે તેમણે ઈંગ્લેન્ડના સ્કોરને 152 સુધી પહોંચાડી દીધો હતો. ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ બેન સ્ટોક્સની પડી, જે 30 રનના અંગત સ્કોરે અશ્વિનના બોલ પર રહાણેના હાથે સ્લિપમાં કેચઆઉટ થયો. ત્યાર બાદ જોસ બટલર અને સેમ કરેને ઈંગ્લેન્ડના સ્કોરને 200ને પાર પહોંચાડી દીધો.
233ના સ્કોરે ઈંગ્લેન્ડની બટલરના સ્વરૂપમાં 7મી વિકેટ પડી. ત્યાર બાદ રમવા આવેલો આદિલ રશીદ પણ વધુ રન બનાવી શક્યો નહીં. તે 11ના અંગત સ્કોરે શમીના બોલ પર પંતના હાથે કેચઆઉટ થઈ ગયો. જોકે, ભારત માટે હજુ સેમ કરેન માથાના દુખાવો બનેલો છે. મેચ પુરી થઈ ત્યારે સમ કરેન 37 રને રમતમાં છે. ઈંગ્લેન્ડના 8 વિકેટે 260 રનનો સ્કોર થયો હતો. ઈંગ્લેન્ડ પાસે હજુ સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન બે ખેલાડી રમવાના બાકી છે.
હવે ચોથા દિવસે ભારતે ઈંગ્લેન્ડની બાકીની બે વિકેટ વહેલી તકે પાડી દેવાની રહેશે. ભારત તરપથી મોહમ્મદ શમી સફળ બોલર રહ્યો હતો, જેણે ત્રણ વિકેટ લીધી હતી અને જો રૂટને રનઆઉટ કર્યો હતો. આ સિવાય ઈશાંત શર્માએ 2 અને રવિચંદ્રન અશ્વિન તથા બુમરાહને 1-1 સફળતા મળી હતી.
પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે. ભારત માટે આ ટેસ્ટ કોઈ પણ સંજોગોમાં જીતવી અનિવાર્ય છે. જો ભારત આ મેચ હારી જશે તો આ ટેસ્ટ શ્રેણી પણ હારી જશે