સાઉધમ્પ્ટનઃ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયા 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે ઈંગ્લેન્ડ પર 27 રનની લીડ મેળવી છે. ભારત તરફથી એકમાત્ર ચેતેશ્વર પૂજારા સફળ બેટ્સમેન રહ્યો હતો, જેણે અણનમ 132 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. પૂજારા ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. આ અગાઉ, પ્રથમ દિવસે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 246 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. સ્ટમ્પ્સ સમયે ઈંગ્લેન્ડની ટીમના 6 રન થયા હતા. એલિસ્ટર કૂક 2 અને કેટોન જેનિંગ્સ 4 રને રમતમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ દિવસના 19 રનથી શરૂઆત કરનારી ભારતીય ટીમને 37ના સ્કોર પર લોકેશ રાહુલનો પ્રથમ ફટકો પડ્યો હતો. લોકેશને બ્રોડે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ત્યાર બાદ ટીમના 50ના સ્કોર પર શિખર ધવન પણ 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ આવેલા કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. 


કોહલીના 6000 રન પૂરા થયા
પૂજારા અને કોહલીએ 90 રનની ભાગીદારી કરી હતી. લંચ બ્રેક બાદ કેપ્ટન કોહલી 46 રન બનાવીને સેમ કરેનના બોલે એલિસ્ટર કૂકના હાથે કેચ આઉટ થઈ ગયો. આ મેચમાં છઠ્ઠો રન લેવાની સાથે જ કેપ્ટન કોહલીએ ટેસ્ટ કારકિર્દીમાં 6,000 રન પૂરા કર્યા હતા. તે સૌથી ઝડપથી 6,000 રન પૂરા કરવાની બાબતે બીજા નંબરે છે. 



પૂજારા એક છેડો પકડીને ઊભો રહ્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ સામેના છેડેથી ભારતીય ખેલાડીઓને એક પછી એક પેવેલિયનમાં મોકલતી રહી. રિષભ પંત અને મોહમ્મદ શમી તો ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. અજિંક્ય રહાણેએ 11 રન જ્યારે ઈશાંત શર્માએ 14 રન બનાવ્યા. હાર્દિક પંડ્યા, રવિચંદ્ર અશ્વિન અને જસપ્રિત બુમરાહ બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહીં. 


ચેતેશ્વર પૂજારાની સદી 
ચેતેશ્વર પૂજારાએ એક છેડો સંભાળી રાખીને ટીમના સ્કોરને સન્માનજનક સ્તરે પહોંચાડ્યો હતો. પૂજારાએ અણનમ 132 રન બનાવ્યા હતા. પૂજારાની 61 ટેસ્ટમાં આ 15મી સદી હતી. એશિયાની બહાર તેની આ બીજી, ભારતની બહાર પાંચમી અને ઈંગ્લેન્ડ સામે પણ પૂજારાની આ પાંચમી સદી હતી.  


મોઈન અલીની ફાઈવ વિકેટ હોલ 
મોઈલ અલી આ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ રમી રહ્યો છે. તેણે ટીમમાં પુનરાગમનની ઉજવણી પાંચ વિકેટ હોલ લઈને મનાવી હતી. ટેસ્ટમાં આ તેણે પાંચમી વખત 5 વિકેટ લીધી છે. મોઈન ઉપરાંત ઈંગ્લેન્ડ તરફથી સ્ટૂઅર બ્રોડે 3 અને સેમ કરેન તથા બેન સ્ટોક્સે 1-1 વિકેટ લીધી હતી.