રાજકોટઃ રાજકોટ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. રાજકોટ ટેસ્ટમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 33 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ દમદાર બેટિંગ કરી હતી. સૌથી પહેલા રોહિત શર્માએ પોતાની સદી પૂરી કરી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પણ પોતાના હોમ ગ્રાઉન્ડમાં સદી ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાડેજાએ હોમ ગ્રાઉન્ડમાં ફટકારી સદી
રવિન્દ્ર જાડેજા ટીમ મુશ્કેલમાં હતી ત્યારે પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 198 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી પૂરી કરી હતી. જાડેજાએ તલવારબાજી અંદાજમાં તેની ઉજવણી કરી હતી. જાડેજાએ 7 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. જાડેજાએ પોતાના હોમ ગ્રાઉન્ડમાં સદી ફટકારતા રાજકોટના દર્શકો પણ ખુશ થઈ ગયા હતા. 



રોહિતની 11મી ટેસ્ટ સદી
રોહિત શર્માની આ ટેસ્ટ ક્રિકેટમાં 11મી સદી છે. તેણે 157 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ટી બ્રેક બાદ પ્રથમ ઓવરમાં રોહિતે પોતાની સદી પૂરી કરી હતી. ભારતીય કેપ્ટન 196 બોલમાં 14 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 131 રન બનાવી આઉટ થયો હતો. 36 વર્ષીય રોહિત શર્માએ 2013માં ભારત માટે ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. રોહિતે જ્યારે ટેસ્ટમાં સદી ફટકારી છે ત્યારે ભારતીય ટીમને જીત મળી છે. રોહિત શર્મા માર્ક વુડનો શિકાર બન્યો હતો.


ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ઓપનર
4- સુનીલ ગાવસ્કર
3- રોહિત શર્મા
3- વિજય મર્ચેટ
3- મુરલી વિજય
3- કેએલ રાહુલ