લંડન: ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમથી ખરાબ ખબર આવવાનો સિલસિલો થમતો જોવા મળતો નથી. પહેલા કોચ રવિ શાસ્ત્રી સહિત કોચિંગ સ્ટાફના કેટલાક સભ્યો કોરોના પોઝિટિવ થયા અને હવે રોહિત શર્મા તથા ચેતેશ્વર પૂજારા ઈજાગ્રસ્ત થયા હોવાના રિપોર્ટ્સ છે. ભારત માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલ ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા સ્ટાર ઓપનર રોહિત શર્માને ઘૂંટણમાં ઈજા થઈ છે. રોહિત શર્મા ઉપરાંત ચેતેશ્વર પૂજારાને પણ એડીમાં ઈજા થઈ છે. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ઈજાગ્રસ્ત થતા ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે તેઓ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ સમયે ફિલ્ડિંગ કરવા મેદાન પર આવી શક્યા નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
રોહિત શર્મા (127) અને ચેતેશ્વર પૂજારા (61)એ ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં 153 રનની ભાગીદારી નોંધાવી હતી. જેના કારણે ભારત 466 રન કરવામાં સફળ રહ્યું. રમત દરમિયાન પૂજારાની મચકોડ આવી ગઈ હતી. અને તેણે ઈનિંગમાં પોતાના રમત દરમિયાન પટ્ટી બાંધીને રમવું પડ્યું હતું. ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં બેટિંગ સમયે રોહિત શર્માને પણ ઘૂંટણમાં ઈજા થઈ હતી. હજુ એ સ્પષ્ટ નથી કે તે પાંચમા દિવસે પણ મેદાન પર ઉતરશે કે નહીં. 


આ 2 સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત
બીસીસીઆઈએ કહ્યું કે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ સમયે મેદાનમાં ઉતર્યા નહીં. રોહિતના ડાબા ઘૂંટણ અને પૂજારાના ડાબા પગની એડીમાં દુખાવો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેમની સમીક્ષા કરી રહી છે. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 368 રનનો પીછો કરી રહ્યું છે. 


ભારતનું ટેન્શન વધ્યું
અત્રે જણાવવાનું કે ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધ ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે બીજી ઈનિંગમાં 466 રન કરીને ઈંગ્લેન્ડને જીત માટે 368 રનનું લક્ષ્યાંક આપ્યું. દિવસનો ખેલ પૂરો થયો ત્યારે ઈંગ્લેન્ડે વિકેટ ગુમાવ્યા વગર 77 રન કરી લીધા હતા અને હજુ તેને જીતવા માટે 291 રનની જરૂર છે. 


રોરી બર્ન્સે 108 બોલમાં બે ચોગ્ગાની મદદથી 31 રન અને હસીબ હમીદે 85 બોલમાં છ ચોગ્ગાની મદદતી 42 રન કરી નાખ્યા હતા. ભારત માટે આ બંને ઓપનર્સની પાર્ટનરશીપ મુશ્કેલી બની રહી છે. હજુ એક પણ વિકેટ મળી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube