IND vs ENG: ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ પ્લેઇંગ XI સાથે ઉતરી શકે છે ભારત, આ બે ખેલાડીઓ થશે બહાર
લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને ઈનિંગ અને 76 રને પરાજય આપી સિરીઝમાં 1-1ની બરોબરી કરી છે.
લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 2 સપ્ટેમ્બરથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. આ સમયે સિરીઝ 1-1થી બરોબર છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને ઈનિંગ અને 76 રને પરાજય આપી સિરીઝમાં 1-1ની બરોબરી કરી છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટમાં ટીમમાં બે ફેરફાર કરી શકે છે.
ટીમ ઈન્ડિયા અંતિમ ઇલેવનમાં પોતાના બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર કરશે નહીં પરંતુ બોલિંગ યૂનિટમાં ફેરફાર થઈ શકે છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતની પાસે 14 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની શાનદાર તક છે. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગમાં ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને કેએલ રાહુલ સંભાળશે. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાને બેટિંગ કરશે. પુજારાએ લીડ્સમાં રમાયેલી બીજી ઈનિંગમાં 91 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી ટીમની જવાબદારી સંભાળશે.
પાંચમાં સ્થાને અજિંક્ય રહાણે બેટિંગ કરવા ઉતરશે. તો વિકેટકીપરની જવાબદારી રિષભ પંત પાસે રહેશે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું નક્કી છે. અશ્વિન પ્રથમ ત્રણ ટેસ્ટમાં બહાર રહ્યો હતો. તો ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો ઈશાંત શર્માને બહાર કરવામાં આવી શકે છે. લીડ્સમાં ઈશાંત એકપણ વિકેટ ઝડપી શક્યો નહીં. તે લયમાં જોવા મળી રહ્યો નથી.
આ પણ વાંચોઃ PICS: ભાગ્યનો મળ્યો ભરપૂર સાથ અને મોતના મુખમાંથી પાછા આવ્યા આ 5 ક્રિકેટર્સ
ઈશાંત શર્માની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની શક્યતા છે. તેના આવવાથી ભારતની ટેલ મજબૂત થશે. જસપ્રીત બુમરાહ બોલિંગ યૂનિટની આગેવાની કરશે. તેની સાથે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળવાની સંભાવના છે. ભારત આ વખતે પણ ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે. જેનો સંકેત કોહલીએ આપ્યો હતો.
ચોથી ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube