IND Vs ENG : દરેક મેચમાં ટીમ બદલનારા વિરાટ કોહલીએ 39મી ટેસ્ટમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં
બીસીસીઆઈએ પોતાના આધિકારીક ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં આશા વ્યક્ત કરાઈ હતી કે પૃથ્વી ને તક મળી શકે છે
નવી દિલ્હીઃ 38 ટેસ્ટ મેચમાં દરેક ટીમમાં ફેરફાર કરનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 39મી ટેસ્ટમં કોઈ ફેરફાર કર્યો નથી. દરેક મેચમાં ટીમમાં ફેરફાર કરીને હંમેશાં ટીકાનો ભોગ બનતા વિરાટ કોહલીનું માનવું છે કે, જો આ ફેરફારથી તેને વિજય મળતો હોય તો તેની સામે કોઈએ વાંધો ન ઉઠાવવો જોઈએ.
હવા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ સાઉધમ્પ્ટનમાં રમાવાની છે ત્યારે આ મેચ પહેલાં પણ એવી અપેક્ષા હતી કે વિરાટ કોહલી ટીમમાં ફેરફાર કરશે અને કદાચ પૃથ્વી શોને ટેસ્ટ ડેબ્યુ કરવાની તક મળી શકે છે.
પૃથ્વી શો ટીમ સાથે નેટ પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં એવી આશા વ્યક્ત કરાઈ હતી કે પૃથ્વીને તક મળી શકે છે. જોકે, વિરાટે તમામ આશાઓ પર પાણી ફેરવતાં છેલ્લી ટેસ્ટ મેચ વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવું પ્રથમ વખત બન્યું છે કે વિરાટ કોહલીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર ન કર્યો હોય. આ અગાઉ તે 38 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને તેણે દરેક મેચમાં ટીમમાં ફેરફાર કર્યો છે.
પૃથ્વીએ ઈંગ્લેન્ડની ધરતી પર 3 સદી ફટકારી છે
પૃથ્વી શો ન્યૂઝિલેન્ડમાં અંડર-19ની શ્રેણી જીત્યા બાદ ચર્ચામાં છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની સરેરાશ 56.72ની છે. તે સાત સદી અને પાંચ અડધી સદી ફટકારી ચૂક્યો છે. ઓપનિંગમાં આવતા પૃથ્વીએ ઈન્ડિયા-એ તરફથી પણ સારું પ્રદર્શન કર્યું છે અને પસંદગીકર્તાને મજબુર કર્યા હતા કે તેનો ટીમમાં સમાવેશ કરો. ઈંગ્લેન્ડમાં તેનું તાજેતરનું પ્રદર્શન જોઈએ તો તેણે 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ-એ વિરુદ્ધ 188, 102 અને લીસ્ટર સામે 132 રનની ઈનિંગ્સ રમી હતી. જુન-જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર પૃથ્વીએ 8 મેચમાં 10 ઈનિંગ્સમાં 60.3ની સરેરાશથી કુલ 603 રન બનાવ્યા હતા.
ભારતની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્દ શમી.