IND vs MAS: હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચેમ્પિયન, મલેશિયાને 4-3થી આપ્યો પરાજય
હોકીના મેદાનમાંથી ભારત માટે ખુશખબર આવી રહી છે. ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલમાં મલેશિયાને પરાજય આપ્યો છે.
ચેન્નઈઃ ભારતીય હોકી ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી લીધી છે. ભારતે ફાઈનલમાં મલેશિયાને 4-3થી પરાજય આપ્યો છે. એક સમયે ટીમ ઈન્ડિયા 1-3થી પાછળ ચાલી રહી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરતા માત્ર એક મિનિટમાં બે ગોલ કર્યાં હતા. ત્યારબાદ ભારતે છેલ્લા ક્વાર્ટરમાં ગોલ કરી મેચ પોતાના નામે કરી લીધી હતી.
ભારતે બનાવ્યો રેકોર્ડ
ભારતીય ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં ભારતે એક તબક્કે બે ગોલથી પાછળ રહ્યા બાદ મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. બીજા હાફ સુધીમાં મલેશિયાની ટીમ 3-1થી આગળ હતી. ભારતે ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ભારત સૌથી વધુ વખત આ ટુર્નામેન્ટ જીતનાર દેશ પણ બની ગયો છે. પાકિસ્તાનના નામે 3 ખિતાબ છે.
ભારત માટે આ ખેલાડીએ કર્યો ગોલ
ભારત માટે 56મી મિનિટે આકાશદીપે ચોથો ગોલ કર્યો હતો.
ભારત માટે ત્રીજો ગોલ ગુરજંત સિંહે કર્યો હતો.
ભારત માટે બીજો ગોલ હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો હતો.
ભારત માટે પ્રથમ ગોલ જુગરાજ સિંહે પેનલ્ટી દ્વારા કર્યો હતો.