IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત બન્યો કેપ્ટન
આઈસીસી ટી20 વિશ્વકપમાંથી બહાર થયા બાદ હવે ભારતીય ટીમ 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે.
નવી દિલ્હીઃ 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માને ટી20 ટીમની કમાન સોંપી છે. મહત્વનું છે કે વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વિશ્વકપ બાદ ટી20 ટીમની કમાન છોડી દીધી છે. કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.
રોહિત કેપ્ટન, રાહુલ વાઇસ કેપ્ટન
વિરાટ કોહલી બાદ હવે ભારતીય ટી20 ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે રોહિત શર્મા છેલ્લા ઘણા વર્ષોથી વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યો છે. તે આઈપીએલમાં મુંબઈનો કેપ્ટન છે અને તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ ટ્રોફી અપાવી ચુક્યો છે. તો કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઇશાન કિશન, વેંકટેશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.
ભારત ન્યૂઝીલેન્ડ સિરીઝનો કાર્યક્રમ
17 નવેમ્બર પ્રથમ ટી20, જયપુર
19 નવેમ્બર, બીજી ટી20, રાંચી
21 નવેમ્બર, ત્રીજી ટી20, કોલકત્તા
આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને મળી તક
આઈપીએલ 2021માં ચેન્નઈ માટે બેટથી ધમાલ મચાવીને ઓરેન્જ કેપ જીતનાર રુતુરાજ ગાયકવાડને ટીમમાં તક મળી છે. તો સૌથી વધુ વિકેટ ઝડપનાર હર્ષલ પટેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ફાસ્ટ બોલર આવેશ ખાન અને હર્ષલ પટેલનો સમાવેશ પણ ટીમમાં કરવામાં આવ્યો છે.
આ સિવાય શિખર ધવનને ટીમમાં તક આપવામાં આવી નથી. તો સ્પિનર યુજવેન્દ્ર ચહલની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યાને પડતો મુકવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજને પણ ટીમમાં તક મળી છે. ટી20 વિશ્વકપમાં સાધારણ પ્રદર્શન કરનાર ભુવનેશ્વર કુમાર પણ ટીમમાં છે. તો અક્ષર પટેલને તક મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube