ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ બેંગ્લુરુના કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી. ન્યૂઝીલેન્ડને જીત માટે 107 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો હતો. જેને પાંચમા દિવસે લંચ પહેલા જ ન્યૂઝીલેન્ડે મેળવી લીધો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંને  દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પૂણેમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

36 વર્ષ બાદ ભારતની ધરતી પર જીત
ન્યૂઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ જીત મેળવી છે. આ અગાઉ તેણે નવેમ્બર 1988માં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને 136 રનથી હરાવ્યું હતું. બધુ મળીને ભારતની ધરતી પર ન્યૂઝીલેન્ડની આ ત્રીજી ટેસ્ટ જીત છે. ન્યૂઝીલેન્ડે ભારતમાં પહેલી ટેસ્ટ જીત વર્ષ 1969માં નાગપુરમાં મળી હતી. ત્યારે તેણે મેજબાન ટીમને 169 રનથી હરાવી હતી. 


મેચમાં ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 46 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન કર્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમને પહેલી ઈનિંગના આધારે 356 રનની લીડ મળી હતી. ત્યારબાદ ભારતીય ટીમે પલટવાર કરતા બીજી ઈનિંગમાં 462 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતની જમીન પર કોઈ પણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. 


ભારત માટે ડરામણો રહ્યો બીજો દિવસ
પહેલા દિવસે વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી નહતી. ટોસ પણ ન થયો. બીજા દિવસે જ્યારે ટોસ થયો તો ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી અને આ નિર્ણય ખોટો સાબિત થયો. આકાશમાં વાદળ છવાયેલા હતા. ઓવરકાસ્ટ કન્ડીશનમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર્સે કહેર વર્તાવ્યો અને ભારતીય ટીમને 46 રન પર સમેટી દીધી. રોહિતે દિવસના ખેલ બાદ પોતાની ભૂલ સ્વીકારી પણ લીધી. તેમણે કહ્યું કે તેઓ પીચને રીડ કરી શક્યા નહીં. 


પહેલી ઈનિંગમાં રચીન રવિન્દ્ર અને ટીમ સાઉદીએ આપ્યું દર્દ
પહેલી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી રમતા રચીન રવિન્દ્રએ 134 રન કર્યા. જ્યારે ટીમ સાઉદીએ પણ 65 રન કરી ટીમ ઈન્ડિયાને ઊંડો ઘા આપ્યો અને ન્યૂઝીલેન્ડની ટીમે 402 રન કર્યા. આમ કીવી ટીમને 356 રનની મહત્વની લીડ મળી હતી. 


બીજી ઈનિંગમાં ભારતે લીડના દબાણમાં ન આવતા મજબૂત શરૂઆત  કરી અને યશસ્વી, 35, રોહિત શર્મા 52, વિરાટ કોહલી 70 રન કરીને આઉટ થયા. વિરાટે યુવા સ્ટાર બેટર સરફરાઝ ખાન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. સરફરાઝે વિરાટના આઉટ  થયા બાદ પંત સાથે ચોથી વિકેટ માટે 177 રન જોડ્યા. જો કે પંત 99 રન પર આઉટ થઈ ગયો. સરફરાઝે 150 રન કર્યા. ભારતના પૂંછડિયા બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં નિરાશ કર્યા. આમ ભારત બીજી ઈનિંગમાં 460 રન કરી ઓલઆઉટ થઈ ગયું અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો. 


જીતી ગયું ન્યૂઝીલેન્ડ
 ન્યૂઝીલેન્ડે જીત માટેના લક્ષ્યાંકનો પીછો કરતા 2 વિકેટના નુકસાને 110 રન કરીને મેચ જીતી લીધી. સિરીઝની બીજી મેચ હવે 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે અને હવેની બંને મેચો જીતવા પર ભારતીય ટીમનું ફોકસ રહેશે.