IND vs NZ Test: મુંબઈમાં દાવ પર હશે ટીમ ઈન્ડિયાની `આબરૂ`, ઈતિહાસ રચવાની નજીક ન્યૂઝીલેન્ડ
India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝનો ત્રીજો મુકાબલો મુંબઈમાં 1 નવેમ્બરથી રમાશે. કીવી ટીમ બેંગલુરૂ અને પુણેમાં મેચ જીતી સિરીઝ પહેલા જ પોતાના નામે કરી ચૂકી છે.
India vs New Zealand Test Record: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝનો ત્રીજો મુકાબલો મુંબઈમાં 1 નવેમ્બરથી રમાશે. કીવી ટીમ બેંગલુરૂ અને પુણે ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે. હવે ભારતીય ટીમની નજર ક્લીન સ્વીપથી બચવા પર છે. ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી ઈતિહાસ રચ્યો છે. ભારતે 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. હવે રોહિત શર્માની ટીમ ક્લીન સ્વીપથી બચવા મેદાનમાં ઉતરશે.
ઈતિહાસ રચવાની નજીક ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ ત્રણ કે વધુ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતમાં ક્લીન સ્વીપ કરનારી પ્રથમ ટીમ બની શકે છે. ભારતના ટેસ્ટ ઈતિહાસમાં ક્યારેય આવું બન્યું નથી. કોઈ ટીમે ભારતમાં ક્લીન સ્વીપ કરી નથી. ન્યૂઝીલેન્ડ પાસે આ તક છે. હવે જોવાનું છે કે ભારતીય ટીમ કઈ રીતે વાપસી કરે છે.
આ પણ વાંચોઃ IPL 2025 માં પણ દેખાશે થાલાનો જલવો! ધોની ફરી કરશે ગગનચુંબી છગ્ગાનો વરસાદ
સચિનની કેપ્ટનશિપમાં મળી હતી હાર
ભારત છેલ્લે 2000માં ઘરેલુ મેદાન પર કોઈ સિરીઝમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શક્યું નહોતું. સાઉથ આફ્રિકાએ ત્યારે બે મેચની સિરીઝ 2-0થી જીતી હતી. તે સમયે સચિન તેંડુલકર કેપ્ટન હતા. આ સિરીઝમાં ભારત ચાર ઈનિંગમાં 250નો આંકડો પણ પાર કરી શક્યું નહીં. તે સમયે સાઉથ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોનિએ હતા.
1997માં આ થયું હતું
ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો છેલ્લે ભારત 1997માં શ્રીલંકા વિરુદ્ધ એકપણ મેચ જીતી શક્યું નહીં. તે સમયે પણ સચિન ટીમનો કેપ્ટન હતો અને શ્રીલંકાની કમાન અર્જુન રણતુંગાએ સંભાળી હતી. રોહિત શર્મા એન્ડ કંપનીની નજર આ ખરાબ રેકોર્ડથી બચવા પર છે. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની દ્રષ્ટિએ પણ અંતિમ ટેસ્ટ ખુબ મહત્વની છે. તેવામાં વાનખેડેની પિચ કેવી હશે તેના પર પણ બધાની નજર રહેશે.