નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે નેપિયરમાં 5 વન ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ ચાલી રહી હતી. ટીમ ઈન્ડિયાને વિજય માટે 158 રનનું લક્ષ્ય મળ્યું હતું. આ લક્ષ્યનો પીછો કરતા ટીમે 10 ઓવરમાં એક વિકેટે 43 રન બનાવ્યા હતા. આ દરમિયાન એક અનોખી ઘટના ઘટી, જે કદાચ ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય થઈ નથી. ઓછામાં ઓછું અમ્પાયરોને તો હજુ સુધી યાદ નથી કે આવું ક્યારેય બન્યું હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમ્પાયરોને રમત માત્ર એ કારણે રોકવી પડી હતી કે નેપિયરમાં ઢળી રહેલા સૂર્યના કિરણો સીધા જ બેટ્સમેનની આંખમાં આવતા હતા, જેના કારણે તેને બોલ દેખાતો ન હતો. 


આ કારણે રોકાઈ હતી રમત
ન્યૂઝિલેન્ડે આપેલા 158 રનના લક્ષ્યનો પીછો કરતા સમયે ભારતીય ટીમે 11મી ઓવર દરમિયાન બેટ્સમેન શિખર ધવનને સૂર્યનો પ્રકાશ સીધો જ આંખમાં પડવાને કારણે બોલ જોવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે અમ્પાયરોએ રમત અટકાવી દીધી હતી. સામાન્ય રીતે ક્રિકેટના મેદાનમાં પીચની દિશા ઉત્તર-દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે. જોકે નેપિયરના મેકલીન પાર્કમાં પીચની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની છે. આ કારણે એક છેડા પરથી બેટિંગ કરતા બેટ્સમેનની આંખમાં ઢળી રહેલા સૂર્યનો સીધો જ પ્રકાશ આવતો હોય છે.


IND vs NZ: શિખર ધવનનો ધમાકો, વિરાટ બાદ સૌથી ઝડપી પૂરા કર્યા 5 હજાર રન


અમ્પાયરને અગાઉ આવું ક્યારેય જોયું નથી
મેચ રોકાયા બાદ અમ્પાયર શેન હેગે જણાવ્યું કે, તેમને યાદ નથી કે તેમણે 14 વર્ષની અમ્પાયરિંગ કારકિર્દી દરમિયાન આ કારણે મેચ રોકવી પડી હતી. તેમણે જણાવ્યું કે, "ઢળતા સૂર્યનો પ્રકાશ સીધો જ બેટ્સમેનની આંખમાં આવતો હતો. અમે રમતને રોકવાનો નિર્ણય લીધો હતો. મારી 14 વર્ષની કારકિર્દીમાં ક્રિકેટના મેદાન પર અગાઉ આવું ક્યારેય જોયું નથી."


હર્ષા ભોગલેએ પણ જણાવ્યું કે, મેં પણ પ્રથમ વખત આવું જોયું 
કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ ટ્વીટ કરતા લખ્યું કે, "મારા માટે પણ આ પ્રથમ ઘટના છે. ઢળતા સૂર્યનો પ્રકાશ બેટ્સમેનની આંખમાં આવતો હોવાને કારણે રમત રોકવી પડી. ચોક્કસપણે પીચને ઉત્તર-દક્ષિણ દિશામાં રાખવી જોઈએ."


INDvsNZ: નેપિયરમાં ભારતનો દબદબો, 8 વિકેટે જીત મેળવી શ્રેણીમાં બનાવી 1-0ની લીડ


શિખર ધવને કરી હતી ફરિયાદ
158 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 9 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 41 રન બનાવ્યા હતા. ત્યાર બાદ લંચની જાહેરાત કરાઈ. લંચ બાદ ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના સ્વરૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ શિખર ધવને અમ્પાયરને બોલ ન દેખાતો હોવાની ફરિયાદ કરી અને રમત અટકાવી દેવાઈ. જોકે, અડધા કલાક બાદ જ્યારે પીચ પર છાંયડો આવી ગયો ત્યારે રમત ફરીથી શરૂ કરાઈ હતી. 


ટીમને અપાયું સંશોધિત લક્ષ્ય
મેચ ફરીથી શરૂ થઈ ત્યારે ટીમને સંશોધિત લક્ષ્ય અપાયું. ટીમના ક્વોટામાંથી એક ઓવર ઘટાડવામાં આવી અને 49 ઓવરમાં 156 રનનું લક્ષ્ય અપાયું. ટીમે 34.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય માટે જરૂરી રન બનાવી લીધા હતા. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...