IND vs NZ WTC Final: પાંચમાં દિવસના અંતે ટીમ ઈન્ડિયા 64/2, હવે રિઝર્વ ડેના દિવસે આવશે મેચનું પરિણામ
WTC Final 2021: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના પાંચમાં દિવસના અંતે ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગમાં 2 વિકેટે 64 રન બનાવી લીધા છે.
સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઇ રહી છે. મેચમાં પાંચમાં દિવસની રમત પૂરી થઈ ગઈ છે. હવે વરસાદને કારણે બુધવારે રિઝર્વ ડેમાં પણ મેચ રમાશે. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 249 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આમ કીવી ટીમને પ્રથમ ઈનિંગના આધારે 32 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 2 વિકેટે 64 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ આ સમયે 32 રન આગળ છે.
ભારતની બીજી ઈનિંગ
ભારતે પાંચમાં દિવસના અંતે પોતાની બીજી ઈનિંગમાં 64 રન બનાવ્યા છે. દિવસના અંતે વિરાટ કોહલી 8 અને પુજારા 12 રન બનાવી ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડ તરફથી બન્ને વિકેટ ટિમ સાઉદીને મળી છે.
બન્ને ઓપનરો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને રોહિતે પ્રથમ વિકેટ માટે 24 રનની ભાગીદારી કરી હતી. ભારતને પ્રથમ ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ગિલ 8 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ 30 રન બનાવી સાઉદીની ઓવરમાં LBW આઉટ થયો હતો.
ન્યૂઝીલેન્ડ 249 રન બનાવી ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઈનિંગના આધારે 32 રનની લીડ મળી છે. કીવી ટીમ 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 76 રન આપીને ચાર વિકેટ ઝડપી છે. આ સિવાય ઈશાંત શર્માએ 57 રન આપીને ત્રણ, અશ્વિને 28 રન આપીને બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી છે.
ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ શાનદાર અડધી સદી ફટકારતા 54 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન કેન વિલિયમસને 49 રનનું યોગદાન આપ્યું હતું. ટોમ લાથમ અને ટિમ સાઉદીએ 30-30 રન બનાવ્યા હતા. કાઇલ જેમિસને 21, ગ્રાન્ડહોમે 13 રનનું યોગદાન આપ્યું હતું.
પ્રથમ ઈનિંગમાં ઈશાંત-શમી છવાયા
ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. શમીએ 76 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઈશાંત શર્માએ 57 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. અશ્વિનને બે તથા જાડેજાને એક સફળતા મળી હતી. જસપ્રીત બુમરાહની વિકેટનું ખાનુ ખાલી રહ્યું હતું.
ભારતની પ્રથમ ઈનિંગ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 44 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર રોહિત શર્મા 34 અને શુભમન ગિલ 28 રન બનાવી આઉટ થયા હતા.
ચેતેશ્વર પુજારા 4, રિષભ પંત 4, ઈશાંત શર્મા 4 રન બનાવી આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજાએ 15 અને અશ્વિને 22 રનનું યોગદાન આપ્યું હતું. શમી 4 રન બનાવી અણનમ રહ્યો હતો.
કાઇલ જેમિસનની પાંચ વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. યુવા બોલર કાઇલ જેમિન્સન સૌથી સફળ બોલર રહ્યો હતો. જેમિસને 22 ઓવરમાં 31 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તે નિલ વેગનરે 40 રન આપીને બે તથા બોલ્ટે 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ટિમ સાઉદીને 1 વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube