યુઝવેન્દ્ર ચહલે મેળવી મોટી સિદ્ધિ, ટી20માં ભુવીને પછાડી ભારત તરફથી સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર બન્યો
યુઝવેન્દ્ર ચહલ ટી20 આંતરાષ્ટ્રીયમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ભારતના સ્ટાર સ્પિનરે ન્યૂઝીલેન્ડ સામે બીજી ટી20 મેચમાં ફિન એલેનને આઉટ કરી આ સિદ્ધિ મેળવી છે.
લખનઉઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટી20 મેચમાં યુઝવેન્દ્ર ચહલે ફિન એલેનની વિકેટ ઝડપીને મોટી સિદ્ધિ હાસિલ કરી હતી. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સર્વાધિક વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પાછળ છોડ્યો છે. ભુવનેશ્વરે ભારત માટે 90 વિકેટ લીધી હતી, જ્યારે ચહલના નામે હવે 91 વિકેટ થઈ ગઈ છે.
લખનઉમાં રમાયેલી બીજી ટી20 મેચમાં યુઝવેન્દ્ર ચહલને ફાસ્ટ બોલર ઉમરાન મલિકના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચહલે કેપ્ટનના વિશ્વાસને સાર્થક કર્યો અને પહેલી ઓવરમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટર ફિન એલેનને આઉટ કર્યો હતો. આ યુઝવેન્દ્ર ચહલના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 91મી વિકેટ હતી. એટલે કે તે ભુવીને પાછળ છોડી ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
આ પણ વાંચોઃ 100 રન કરવામાં ટીમ ઈન્ડિયાને પડી ગયા ફાંફા, છેલ્લી ઓવરમાં માંડ-માંડ મળી જીત
ભુવનેશ્વરનો રેકોર્ડ તોડ્યો
યુઝવેન્દ્ર ચહલે ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડ્યો છે. જેના નામે 90 વિકેટ છે. ચહલે 75 મેચમાં 91 વિકેટ લીધી છે. અશ્વિન આ લિસ્ટમાં 72 વિકેટની સાથે ત્રીજા નંબરે છે. બુમરાહના નામે 70 વિકેટ છે અને તે ચોથા સ્થાન પર છે. પાંચમાં નંબર પર હાર્દિક પંડ્યા છે, જેના નામે 64 વિકેટ છે.
ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બોલર ટીમ સાઉદીના નામે છે. જેણે 107 મેચમાં 134 વિકેટ લીધી છે. બીજા નંબર પર શાકિબ અલ હસન (128 વિકેટ) છે. રાશિદના નામે 122 વિકેટ છે, જ્યારે ઈશ સોઢીના નામે 112 વિકેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube