અમદાવાદઃ ભારતે આઈસીસી વિશ્વકપ-2023ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જલવાબમાં ભારતે 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારતની જીતમાં તમામ ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું. પરંતુ આપણે ભારતની ભવ્ય જીતના પાંચ કારણો વિશે ચર્ચા કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ નિર્ણાયક સાબિત થયો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મહત્વની મેચમાં ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા પ્રથમ બે મેચમાં ટોસ હાર્યો હતો, પરંતુ આજે પાકિસ્તાન સામે ટોસ જીત્યો હતો. અમદાવાદની પિચ પર બીજી બેટિંગ કરવાનો નિર્ણય ભારતને ફળ્યો હતો.


સિરાજનો શાનદાર સ્પેલ
મોહમ્મદ સિરાજ વિશ્વકપની પ્રથમ બે મેચમાં થોડો મોંઘો સાબિત થયો હતો. પરંતુ સિરાજે પાકિસ્તાન સામે શરૂઆતી ઓવરમાં રન આપ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. સિરાજે પાકિસ્તાની ઓપનર અબ્દુલ્લા શફીકને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ સિરાજે પોતાના બીજા સ્પેલમાં કેપ્ટન બાબર આઝમને બોલ્ડ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. 


બુમરાહ અને કુલદીપની ઘાતક બોલિંગ
ભારતની જીતમાં જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવનું મહત્વનું યોગદાન રહ્યું હતું. કુલદીપે ફરી મિડલ ઓવરમાં વિકેટ અપાવી ભારતની વાપસી કરાવી હતી. કુલદીપ યાદવે એક ઓવરમાં સાઉદ શકીલ અને ઈફ્તિખાર અહમદ આઉટ કરી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. જસપ્રીત બુમરાહે પણ બે સફળતા મેળવી હતી. બુમરાહે સેટ બેટર રિઝવાનને આઉટ કર્યો હતો. ત્યારબાદ બુમરાહે શાદાબ ખાનને પણ બોલ્ડ કર્યો હતો. 


બે ગુજરાતી ખેલાડીઓ છવાયા
ભારતીય ટીમમાં આજે બે ગુજરાતી ખેલાડીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. આ બંને લોકલ ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં રમી રહેલા ગુજરાતી બોય હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ પણ બે-બે સફળતા મેળવી હતી. જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 34 રન આપી બે વિકેટ લીધી હતી. 


રોહિત શર્મા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી હતી. ભારતને જીત માટે નાનો લક્ષ્ય મળ્યો હતો પરંતુ ભારતને રોહિતે આક્રમક શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. રોહિતે 4 સિક્સ અને 3 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત શર્મા 63 બોલમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ સાથે 86 રન બનાવી આઉટ થયો હતો. રોહિત જ્યારે આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયા જીતની નજીક પહોંચી ગઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube