નવી દિલ્હી: એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાએ પોતાના મિશનની શરૂઆત જીતની સાથે કરી છે. 28 ઓગસ્ટે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને પોતાના મિશનની શરૂઆત કરી છે. તે દરમિયાન પ્રશંસકોને ફરીથી રોમાંચક મેચ જોવાનો મોકો મળ્યો હતો, કારણ કે એક લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામને ટકરાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ હવે પ્રશંસકોને ફરીથી બે ટીમો આમને સામને જોવા માટે લાંબી રાહ નહીં જોવી પડે. કારણ કે આ એશિયા કપમાં બે અવસર હજુ છે, જ્યાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરીથી મુકાબલો થઈ શકે છે, કારણ કે સમીકરણ એ રીતે બની રહ્યા છે. તે કેવી રીતે અને ક્યારે થઈ શકે છે. ચાલો જાણીએ...


એશિયા કપનું પોઈન્ટ ટેબલ હવે શું છે?
એશિયા કપમાં કુલ 6 ટીમો રમી રહી છે જેને 3-3ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ ગ્રુપ Aમાં છે. જ્યારે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ ગ્રુપ બીમાં છે. ભારત અત્યારે ગ્રુપ Aમાં નંબર-1 પર છે, પાકિસ્તાન નંબર-2 પર અને હોંગકોંગ નંબર વન પર છે.


હવે ભારત અને પાકિસ્તાન બંનેનો મુકાબલો હોંગકોંગ સાથે છે, જો બંને ટીમો તેમની મેચ જીતે અને કોઈ અપસેટ ન થાય તો પોઈન્ટ ટેબલનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, જેમાં ભારત નંબર વન અને પાકિસ્તાન તેના ગ્રુપમાં નંબર ટુ રહેશે.


કેવી રીતે ટકરાશે ભારત અને પાકિસ્તાન?
લીગ મેચ બાદ સુપર-4 તબક્કો શરૂ થશે, જ્યાં પોતપોતાના ગ્રુપની ટોપ-2 ટીમો મેચ રમશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 4 સપ્ટેમ્બરે આમને-સામને આવી શકે છે. કારણ કે અહીં A1 અને A2 ટીમની મેચ થવાની છે. તેથી આ રવિવારે સાંજે 7.30 વાગ્યે સમગ્ર દુનિયા ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોશે.


આ મેચ સિવાય ભારતે સુપર-4 તબક્કામાં વધુ બે મેચ રમવાની છે, જે બાંગ્લાદેશ-શ્રીલંકા અથવા અફઘાનિસ્તાન સામે હોઈ શકે છે. જો ભારતીય ટીમ આ મેચો જીતે છે તો તે ફાઇનલમાં પહોંચી શકે છે. સાથે જ પાકિસ્તાનને પણ આ ટીમો સામે લડવું પડશે, તેથી તેની પાસે પણ ફાઇનલમાં પહોંચવાની તક છે. એટલે કે એશિયા કપની ફાઇનલમાં પણ ભારત-પાકિસ્તાનની ટીમો આમને-સામને આવી શકે છે. જે દુબઈમાં 11 સપ્ટેમ્બરે સાંજે 7.30 કલાકે યોજાશે, એટલે કે એ જ મેદાનમાં જ્યાં 28 ઓગસ્ટે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.


ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
તમને જણાવી દઈએ કે એશિયા કપની પોતપોતાની પ્રથમ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. 28 ઓગસ્ટે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 147 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 43 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી અને પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું.


ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું, તેણે પહેલા ત્રણ વિકેટ લીધી અને બાદમાં 17 બોલમાં 33 રન બનાવ્યા. હાર્દિકે આખરે સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી અને ટીમ ઈન્ડિયા માટે હીરો બનીને ઉભરી આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube