અમદાવાદઃ આઈસીસી વિશ્વકપ-2023માં ભારતીય બોલરોના ઘાતક પ્રદર્શન સામે પાકિસ્તાની બેટરોનો ધબડકો થયો છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનને 36 રનમાં અંતિમ 8 વિકેટ ગુમાવી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 155 રન પર બે વિકેટ હતો. ત્યારબાદ ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનનો ધબડકો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવરપ્લેમાં ભારતને મળી સફળતા
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ધીમી શરૂઆત કરી હતી. અબ્દુલ્લા શફીક અને ઇમામે શરૂઆતમાં કેટલીક બાઉન્ડ્રી પણ ફટકારી હતી. ભારતને પ્રથમ સફળતા આઠમી ઓવરના છેલ્લા બોલ પર મળી હતી. મોહમ્મદ સિરાજે અબ્દુલ્લા શફીક (20) ને LBW કર્યો હતો. પાકિસ્તાને પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા હતા. 


સારી શરૂઆત બાદ ઈમામ આઉટ
ઈમામ ઉલ હક શરૂઆતથી સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે કેટલાક આકર્ષક શોટ્સ પણ ફટકાર્યા હતા. પરંતુ ભારતને 73 રનના સ્કોર પર બીજી સફળતા મળી હતી. ઈમામ ઉલ હક હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. ઈમામે 38 બોલમાં 6 ચોગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. ભારતને 13મી ઓવરમાં આ સફળતા મળી હતી. 


બાબરની અડધી સદી
પાકિસ્તાને 73 રને બે વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ઈનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ટીમનો સ્કોર 155 રન હતો ત્યારે બાબર આઝમ અડધી સદી ફટકારી આઉટ થયો હતો. બાબરની ભારત સામે વનડેમાં આ પ્રથમ અડધી સદી હતી. બાબર આઝમ 58 બોલમાં 7 ચોગ્ગા સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. 


ભારતની શાનદાર વાપસી
પાકિસ્તાનનો સ્કોર 155 રન પર બે વિકેટથી 187 રનમાં નવ વિકેટ થઈ ગયો હતો. કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ ભારતની મેચમાં શાનદાર વાપસી કરાવી હતી. મોહમ્મદ રિઝવાન (49) ને બુમરાહે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કુલદીપ યાદવે સાઉદ શકીલ (6) અને ઈફ્તિખાર અહમદ (4) ને એક જ ઓવરમાં આઉટ કરી ભારતની મેચમાં વાપસી કરાવી હતી. શાદાબ ખાનને બુમરાહે બોલ્ડ કર્યો હતો. 


મોહમ્મદ નવાઝ 4 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. હસન અલી 12 રન બનાવી રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube