IND vs PAK: વરસાદ બન્યો વિલન, ભારત-પાકિસ્તાન વચ્ચે મબામુકાબલો રદ્દ
Asia Cup 2023: એશિયા કપના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમ 266 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાનને 267 રનનો લક્ષ્ય આપ્યો હતો. પરંતુ કેન્ડીમાં સતત વરસાદને કારણે પાકિસ્તાનની ઈનિંગ શરૂ થઈ નહીં અને મેચ રદ્દ થઈ ગઈ છે.
કેન્ડીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2023ની પ્રથમ મેચ વરસાદને કારણે કેન્સલ કરવી પડી છે. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યો છે. મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનને જીત માટે 267 રનનો લક્ષ્ય મળ્યો હતો. પરંતુ ઈનિંગ્સ પૂરી થવાની સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વારેવારે આવી રહેલા વરસાદને કારણે અંતમાં મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચ રદ્દ થવાની સાથે પાકિસ્તાનની ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે.
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 11 રન બનાવી શાહીન શાહ આફ્રિદીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શાહીને વિરાટ કોહલી (4) ને બોલ્ડ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. લાંબા સમય બાદ વાપસી કરી રહેલો શ્રેયસ અય્યર માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ 32 બોલમાં માત્ર 10 રન બનાવી રઉફનો શિકાર બન્યો હતો.
ઈશાન કિશન અને હાર્દિકે સંભાળી ઈનિંગ
એક સમયે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી અને માત્ર 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ટીમને સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 132 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશન 81 બોલમાં 9 ચોગ્ગા અને બે સિક્સ સાથે 82 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ 90 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે 97 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર છવાયા
રવીન્દ્ર જાડેજા 14, શાર્દુલ ઠાકુર 3, કુલદીપ યાદવ 4 રન બનાવી આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહે 16 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 10 ઓવરમાં 2 મેડન સાથે 35 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય નસીમ શાહે 8.5 ઓવરમાં 36 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. જ્યારે હારિસ રઉફે 9 ઓવરમાં 58 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube