વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રોહિત શર્મા ઓપનિંગની 'ટેસ્ટ' સારા નંબરોથી પાસ કરી રહ્યો છે. ટેસ્ટ મેચમાં પ્રથમવાર ઓપનિંગ કરવા ઉતરેલા રોહિતે પોતાના જોડીદાર મયંકની સાથે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી છે. ઈનિંગની ચોગ્ગાથી શરૂઆત કરનાર રોહિતે ચોગ્ગાથી 84 બોલમાં અડધી સદી પૂરી કરી, જ્યારે સદી માટે 154 બોલનો સામનો કર્યો હતો. મહત્વનું છે કે વનડે અને ટી20મા રોહિત ઓપનિંગ કરે છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે તેને ટેસ્ટમાં ઓપનરની જવાબદારી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વર્ષ બાદ ફટકારી ટેસ્ટમાં સદી
રોહિતના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો તેણે 2013મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારીને શાનદાર પ્રારંભ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ મેચમાં જ્યારે તેને ઓપનિંગ કરવાની તક મળી તો તેણે 154 બોલમાં સદી ફટકારતા સાબિત કર્યું કે, આ પોઝિશન પર ટીમ મેનેજમેન્ટ તેના પર વિશ્વાસ કરી શકે છે. જોવામાં આવે તો વનડે અને આંતરરાષ્ટ્રીય ટી20મા ઓપનિંગ કરનાર રોહિતના બેટથી બે વર્ષ બાદ ટેસ્ટમાં સદી નિકળે છે. તેણે આ પહેલા નવેમ્બર 2017મા શ્રીલંકા વિરુદ્ધ નાગપુરમાં 102 રન બનાવ્યા હતા. 


ચોગ્ગાથી ખોલ્યું ખાતું
ફેન્સ વચ્ચે હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ વનડે અને ટી20 અંદાજમાં પોતાની ઈનિંગની શરૂઆત કરી હતી. તેણે બીજી ઓવરના બોજા બોલ પર રબાડાને બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકારીને ખાતું ખોલ્યું હતું. મેચમાં રોહિત માટે આ બીજો બોલ હતો. આ પહેલા મયંક અગ્રવાલે વર્નોન ફિલાન્ડરને ચોગ્ગો ફટકારી ભારતનું ખાતું ખોલ્યું હતું. 



ઓપનર તરીકે પ્રથમ સદી
29મી ઓવરમાં અંતિમ બોલ પર રોહિતે ચોગ્ગો ફટકારીને અડધી સદી પૂરી કરી હતી. તેણે ઈનિંગની 54મી ઓવરના અંતિમ બોલ પર સેનુરનના બોલ પર સિંગલ લઈને સદી પૂરી કરી હતી. સદી માટે તેણે 154 બોલનો સામનો કર્યો હતો. આ તેના કરિયરની ચોથી સદી છે, જ્યારે ઓપનર તરીકે પ્રથમ સદી છે. 


રોહિત પર છે મોટી જવાબદારી
કેએલ રાહુલના ખરાબ પ્રદર્શન બાદ રોહિતને ટેસ્ટમાં ઓપનિંગ કરવાની તક મળી છે. આ મેચ પહેલા રોહિત ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાં ઉતરતો હતો. પ્રથમ ટેસ્ટ પૂર્વ નેટ સત્ર દરમિયાન તમામની નજર રોહિત પર ટકેલી હતી. રોહિતે આ મેચ પહેલા અત્યાર સુધી 27 ટેસ્ટમાં 39.62ની એવરેજથી 1585 રન બનાવ્યા છે, જ્યારે સીમિત ઓવરોના ક્રિકેટના તેના નામ પર 10,000થી વધુ રન નોંધાયેલા છે.