કેપટાઉનઃ ભારતીય ટીમે વર્ષ 2024માં શાનદાર શરૂઆત કરી છે. કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલરોએ ધમાલ મચાવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ માત્ર 55 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 3 મેડન સાથે 15 રન આપી 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ અને મુકેશ કુમારને બે-બે સફળતા મળી હતી. આફ્રિકાનો કોઈ બેટર 20થી વધુ રન બનાવી શક્યો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહમ્મદ સિરાજનો ધમાકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજે એડન માર્કરમ (2) ને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ડીન એલ્ગર (4) રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ 3 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. મોહમ્મદ સિરાજે ટોની ડે ઝોર્ઝી (2) ને રાહુલના હાથે કેચઆઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી. 


સિરાજે પૂરી કરી પાંચ વિકેટ
સાઉથ આફ્રિકાને 34 રનના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. ડેવિડ બેડિંગઘમ 12 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સિરાજે માર્કો યાન્સેનને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. કાયલ વેરિયાને 15 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. સિરાજે પોતાની છઠ્ઠી વિકેટ મેળવી હતી. કેશવ મહારાજ અને કગિસો રબાડા મુકેશ કુમારના શિકાર બન્યા હતા. નાંદ્રે બર્ગરને બુમરાહે 4 રન આઉટ કર્યો હતો. 


ભારતીય ફાસ્ટ બોલરો છવાયા
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 15 રન આપી છ સફળતા મેળવી હતી. આ સિવાય બુમરાહે 8 ઓવરમાં 2 રન આપી બે વિકેટ મેળવી હતી. જ્યારે મુકેશ કુમારે 2.2 ઓવરમાં શૂન્ય રન આપી બે વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમ માત્ર 23.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube