IND vs SA: દ.આફ્રીકાને તેની જ ધરતી પર ધૂળ ચટાડવી હોય તો આ ગુજ્જુ ખેલાડી ટીમમાં જરૂરી! જાણો શું કહ્યું ગાવસ્કરે?
IND vs SA 2nd Test: પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ભારતીય ટીમે દક્ષિણ આફ્રીકા સામે કેપટાઈનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પ્લેઈિંગ ઈલેવનમાં બે ફેરફાર કરવા જોઈએ.
IND vs SA 2nd Test: દક્ષિણ આફ્રીકા સામે ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કફોડી સ્થિતિ જોવા મળી અને પહેલી ટેસ્ટમાં સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. હવે બીજી ટેસ્ટ જીતીને સીરિઝ 1-1થી બરાબર કરવી પડે તેમ છે. ભારતીય ટીમ સેન્ચ્યુરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં એક ઈનિંગ અને 32 રનથી હારી. 1992થી લઈને અત્યાર સુધીમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રીકામાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી.
ટેસ્ટ જીતવી હોય તો આ 2 ફેરફાર કરવા જરૂરી!
ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી 2024 સુધી કેપટાઈનમાં રમાશે. કેપટાઈનમાં જો ટીમ ઈન્ડિયા જીતે તો સિરીઝ 1-1થી બરાબર રહેશે. 2010-2011 દરમિયાન ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રીકાની ધરતી પર એકમાત્ર ટેસ્ટ સિરીઝ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રીકાની ધરતી પર ભારત 1992ના પ્રવાસ મળીને કુલ 8 ટેસ્ટ સિરીઝ રમી ચૂક્યું છે. ભારતને દક્ષિણ આફ્રીકાની ધરતી પર 8માંથી 7 ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં દક્ષિણ આફ્રીકાની ધરતી પર ભારતે 8મી ટેસ્ટ સિરીઝ હારવાથી બચવું પડશે.
ગાવસ્કરે કર્યા આ સૂચન
પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ભારતીય ટીમે દક્ષિણ આફ્રીકા સામે કેપટાઈનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પ્લેઈિંગ ઈલેવનમાં બે ફેરફાર કરવા જોઈએ. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં સુનીલ ગાવસ્કરે સ્વીકાર્યું કે રવિન્દ્ર જાડેજા અને મુકેશકુમારને દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ કેપટાઈનમાં રમાનારી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા જોઈએ. રિપોર્ટ્સ મુજબ રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટ મેચ માટે ફિટ છે.
કેપટાઉનમાં ભારત ક્યારેય ટેસ્ટ જીત્યું નથી
દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ કેપટાઉનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર પર વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે આશા છે કે રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટ મેચ માટે ફીટ થઈ જશે. બીજો ફેરફાર પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. જો કે પહેલા એ પણ જોવું પડશે કે કેપટાઉનની પિચ કેવી હશે. અત્રે જણાવવાનું કે દક્ષિણ આફ્રીકા વિરુદધ કેપટાઉનમાં ભારત ક્યારેય કોઈ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી.