કેપટાઉનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચ પ્રથમ દિવસે જ વિકેટોની લાઈનો લાગી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 15 રન આપી 6 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. એટલે કે ટેસ્ટ મેચમાં માત્ર બે સેશનમાં કુલ 20 વિકેટ પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમનો નાટકિય ધબડકો
આફ્રિકા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો પણ નાટકિય ધબડકો થયો હતો. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 4 વિકેટે 153 રન રન હતો અને વિરાટ કોહલી તથા કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યાં હતા. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમે 11 બોલમાં છેલ્લી છ વિકેટ ગુમાવી દીધી. 153/4 ના સ્કોરથી ભારતીય ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 


ભારતીય ટીમના ત્રણ બેટરો ડબલ આંકડામાં પહોંચ્યા 
ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 46 રન ફટકાર્યા હતા. ત્યારબાદ રોહિત શર્મા 50 બોલમાં 7 ચોગ્ગા સાથે 39 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય શુભમન ગિલે 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારતના છ બેટરો 0 રન પર આઉટ થયા હતા. જેમાં યશસ્વી જાયસવાલ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા શૂન્ય રન પર આઉટ થયા હતા. 


આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ
કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલરોએ ધમાલ મચાવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ માત્ર 55 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 3 મેડન સાથે 15 રન આપી 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ અને મુકેશ કુમારને બે-બે સફળતા મળી હતી. આફ્રિકાનો કોઈ બેટર 20થી વધુ રન બનાવી શક્યો નહીં. 


મોહમ્મદ સિરાજનો ધમાકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજે એડન માર્કરમ (2) ને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ડીન એલ્ગર (4) રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ 3 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. મોહમ્મદ સિરાજે ટોની ડે ઝોર્ઝી (2) ને રાહુલના હાથે કેચઆઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી. 


સિરાજે પૂરી કરી પાંચ વિકેટ
સાઉથ આફ્રિકાને 34 રનના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. ડેવિડ બેડિંગઘમ 12 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સિરાજે માર્કો યાન્સેનને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. કાયલ વેરિયાને 15 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. સિરાજે પોતાની છઠ્ઠી વિકેટ મેળવી હતી. કેશવ મહારાજ અને કગિસો રબાડા મુકેશ કુમારના શિકાર બન્યા હતા. નાંદ્રે બર્ગરને બુમરાહે 4 રન આઉટ કર્યો હતો. 


ભારતીય ફાસ્ટ બોલરો છવાયા
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 15 રન આપી છ સફળતા મેળવી હતી. આ સિવાય બુમરાહે 8 ઓવરમાં 2 રન આપી બે વિકેટ મેળવી હતી. જ્યારે મુકેશ કુમારે 2.2 ઓવરમાં શૂન્ય રન આપી બે વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમ માત્ર 23.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ છે.