નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2024ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવી લીધા છે. સાઉથ આફ્રિકાને ફાઈનલમાં જીત માટે 177 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 76 રન ફટકાર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 47 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા તરફથી નોર્ત્જે અને મહારાજને બે-બે વિકેટ મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે શરૂઆતમાં ગુમાવી ત્રણ વિકેટ
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને બીજી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. સ્પિનર કેશવ મહારાજે પહેલા રોહિત શર્મા (9 રન) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ રિષભ પંત (0) રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ પણ 3 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. ભારતે 34 રનમાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. 


અક્ષર પટેલે અને કોહલીએ સંભાળી ઈનિંગ
શરૂઆતી ત્રણ વિકેટ બાદ ભારતે અક્ષર પટેલને બેટિંગમાં મોકલ્યો હતો. ભારતનો આ નિર્ણય અક્ષરે સાચો ઠેરવ્યો હતો. અક્ષર પટેલ અને વિરાટ કોહલીએ ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. અક્ષર પટેલે આક્રમક વલણ અપનાવ્યું હતું. અક્ષરે પોતાની ઈનિંગમાં ચાર સિક્સ પણ ફટકારી હતી. ભારતનો સ્કોર 106 રન હતો ત્યારે અક્ષર પટેલ 47 રન બનાવી રનઆઉટ થયો હતો. 


કોહલીની અડધી સદી
શરૂઆતી વિકેટો પડ્યા બાદ વિરાટ કોહલીએ ઈનિંગને સંભાળી હતી. એક તરફ અક્ષર મોટા શોટ્સ ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો તો બીજીતરફ કોહલી ઈનિંગ સંભાળી રહ્યો હતો. કોહલીએ 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ અડધી સદી બાદ આક્રમક બેટિંગ કરી હતી. કોહલી 59 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 76 રન બનાવી આઉટ થયો હતો. 


આ સિવાય શિવમ દુબે 16 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 27 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 5 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા 2 રન બનાવી આઉટ થયા હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એનરિક નોર્ત્જેએ બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય માર્કો યોન્સેન, અને રબાડાને એક-એક વિકેટ મળી હતી.