SA vs IND: કેપટાઉનમાં કોહલી સેનાનો શરમજનક પરાજય, આફ્રિકાએ 2-1થી જીતી સિરીઝ
South Africa Beat India In 3rd Test: સાઉથ આફ્રિકાને બેટરોએ દમદાર બેટિંગ કરતા કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતને 7 વિકેટે પરાજય આપી સિરીઝ કબજે કરી છે.
કેપટાઉનઃ દિગ્ગજ બેટર અને સિતારાથી ભરેલી ટીમ ઈન્ડિયાના જોશ પર સાઉથ આફ્રિકાના બેટરોનું ધૈર્ય ભારે પડી ગયું. તેણે ત્રીજી અને ફાઇનલ ટેસ્ટમાં મહેમાન ટીમને 7 વિકેટે પરાજય આપ્યો છે. પોતાની પ્રથમ ઈનિંગમાં 223 રન બનાવનારી ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 198 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 210 રન બનાવ્યા હતા. આ આધાર પર યજમાન ટીમને જીત માટે 212 રનની જરૂર હતી, જેને તેણે 63.3 ઓવરોમાં 3 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. આ સાથે ભારતનું સાઉથ આફ્રિકામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું રોળાય ગયું છે.
યજમાન ટીમ માટે વિનિંગ ચોગ્ગો ટેમ્બા બાવુમાએ લગાવ્યો. ટેમ્બા બાઉમા 58 બોલમાં 5 ચોગ્ગાની મદદથી અણનમ 32 અને રાસી વાન ડર ડુસેને 95 બોલમાં 3 ચોગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી, જેને ભારતીય ટીમે 113 રને જીતી હતી. ત્યારબાદ આફ્રિકા ટીમે જોહનિસબર્ગમાં વાપસી કરી અને 7 વિકેટે જીત મેળવી સિરીઝ 1-1થી બરોબર કરી લીધી હતી. ત્યારબાદ કેપટાઉન ટેસ્ટ જીતીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.
આ પહેલા સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસના સ્કોર બે વિકેટ પર 101 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. કીગન પીટરસને વાન ડુસેન સાથે મળીને ઝડપી બેટિંગ કરી હતી. તેણે 100 બોલમાં 54 રનની ભાગીદારી કરીને આફ્રિકાને મજબૂતી અપાવી હતી. જ્યાં સુધી પીટરસન મેદાનમાં હતો ત્યાં સુધી આફ્રિકા પ્રથમ સત્રમાં જીતી રહ્યું હતું.
આ પણ વાંચોઃ WTC 2021-2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ભારતીય ટીમ
પીટરસને એલ્ગર (30) ની સાથે બીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. તે ત્રીજા દિવસે 48 રન બનાવી અણનમ હતો અને ચોથા દિવસે શમીની ઓવરમાં બે રન બનાવી પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ શાર્દુલ ઠાકુરે તેને આઉટ કર્યો હતો. પીટરસન 113 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 82 રન બનાવી આઉટ થયો હતો.
રાસી વાન ડર ડુસેને બાવુમા સાથે મળીને લંચ બ્રેક સુધી કોઈ ઝટકો લાગવા દીધો નહીં અને 3 વિકેટ પર 171 રન સ્કોરબોર્ડ પર હતા. તેને જીત માટે 41 રનની જરૂર હતી, ત્યારે ભારત મેચમાંથી બહાર થઈ ગયું હતું. તેને 7 વિકેટની જરૂર હતી. અહીંથી ટેમ્બા બાવુમા અને રાસી વાન ડર ડુસેને ટીમને કોઈ ઝટકો લાગવા દીધો નહીં. બંનેએ 57 રનની ભાગીદારી કરી મેચ પોતાના નામે કરી લીધી હતી.
આ પહેલા ભારતે રિષભ પંતની અણનમ સદી છતાં આફ્રિકાને જીતવા માટે 212 રનનો લક્ષ્ય આપ્યો હતો. બુમરાહે ત્રીજા દિવસે અંતિમ ક્ષણોમાં એલ્ગરને આઉટ કરીને ભારતની આશા જગાવી હતી. પરંતુ ચોથા દિવસે કોઈ ભારતીય બોલર કમાલ કરી શક્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube