કેપટાઉનઃ રોહિત શર્માની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે કેપટાઉન  ટેસ્ટમાં 7 વિકેટે રેકોર્ડ જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ આ સાથે બે મેચની સિરીઝ પણ 1-1થી બરોબર કરી લીધી છે. સેન્ચુરિયન ટેસ્ટમાં કારમા પરાજય બાદ ભારતે બીજી ટેસ્ટમાં શાનદાર વાપસી કરતા વર્ષ 2024ની શરૂઆત જીત સાથે કરી છે. આ સાથે ટીમ ઈન્ડિયા કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે. આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 153 રન બનાવ્યા અને 98 રનની લીડ મેળવી હતી. આફ્રિકાની ટીમ પોતાની બીજી ઈનિંગમાં 176 રન બનાવી ઓલઆઉટ થઈ હતી અને ભારતને જીત માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ભારતે 3 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપટાઉનમાં પ્રથમવાર મેળવી જીત
ભારતીય ટીમનો કેપટાઉનમાં રેકોર્ડ ખરાબ હતો. આ પહેલા ભારતીય ટીમ કેપટાઉનમાં છ મેચ રમી હતી, જેમાં ચાર વખત હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે ભારતીય ફાસ્ટ બોલરોનો કેપટાઉનમાં દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ સિરાજે 6 તો બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. ભારતે કેપટાઉનમાં પ્રથમવાર જીત મેળવી છે. આ સાથે કેપટાઉનમાં આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીતનાર ભારત પ્રથમ એશિયન ટીમ બની છે. 


ભારતની બીજી ઈનિંગ
આફ્રિકાએ આપેલા 79 રનના લક્ષ્યના જવાબમાં ભારતને સારી શરૂઆત મળી હતી. ઓપનર યશસ્વી જાયસવાલ 23 બોલમાં 6 ચોગ્ગા સાથે આક્રમક 28 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શુભમન ગિલ 10 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી 12 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા 17 અને શ્રેયસ અય્યર 4 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


એડન માર્કરમની શાનદાર સદી
સાઉથ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 176 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી બીજી ઈનિંગમાં એડન માર્કરમે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. માર્કરમ 103 બોલમાં 17 ચોગ્ગા અને બે સિક્સ સાથે 106 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય આફ્રિકાના તમામ બેટરો ફ્લોપ રહ્યાં હતા. ભારત તરફથી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુકેશ કુમારને બે તથા સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને એક-એક વિકેટ મળી હતી. 


ભારતે મેળવી 98 રનની લીડ
ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 39 અને શુભમન ગિલે 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારતના છ બેટરો શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 4 વિકેટે 153 રન હતો અને ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી રબાડા, એન્ગિડી અને નાંદ્રે બર્ગરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભારતને પ્રથમ ઈનિંગના આધારે 98 રનની લીડ મળી હતી. 


આફ્રિકાની પ્રથમ ઈનિંગ, સિરાજની છ વિકેટ
કેપટાઉન ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકાના માત્ર બે બેટરો બે આંકડામાં રન બનાવી શક્યા હતા. આફ્રિકા માટે સૌથી વધુ 15 રન વિકેટકીપર વેરેયાને બનાવ્યા હતા. આ સિવાય બેડિંઘમે 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 15 રન આપી છ વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાહ અને મુકેશ કુમારને બે-બે સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube