IND vs SA: બર્થ-ડે બોય કોહલીની સદી, ભારતે આફ્રિકા સામે 50 ઓવરમાં ફટકાર્યા 326 રન
World Cup 2023: સતત સાત મેચ જીતી સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચુકેલી ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 326 રન ફટકારી દીધા છે અને વિપક્ષી ટીમનો 327 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકત્તાઃ બર્થ ડે બોય વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી ભારતે ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા છે અને આફ્રિકાને જીત માટે 327 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી કોહલી, રોહિત અને અય્યરે શાનદાર બેટિંગ કરી હતી. ભારત વિશ્વકપમાં સાત મેચ જીતી ચુક્યું છે અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચુક્યું છે.
પાવરપ્લેમાં ભારતની આક્રમક શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી. પ્રથમ ઓવરથી જ કેપ્ટન રોહિત શર્માએ ફટકાબાજી શરૂ કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે છઠ્ઠી ઓવરમાં 62 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 24 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ ગિલ અને કોહલીએ ઈનિંગ સંભાળી હતી. પ્રથમ પાવરપ્લે બાદ ભારતે 1 વિકેટે 91 રન બનાવ્યા હતા.
વિરાટ અને અય્યર વચ્ચે સદીની ભાગીદારી
પાવરપ્લે બાદ આફ્રિકાને બીજી સફળતા મળી હતી. શુભમન ગિલ 24 બોલમાં 23 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. શરૂઆતમાં બંનેએ ધીમી બેટિંગ કરી ત્યારબાદ અય્યરે મોર્ચો સંભાળ્યો હતો. શ્રેયસ અય્યર 87 બોલમાં 7 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 77 રન બનાવી આઉટ થયો હતો.
વિરાટ કોહલીની સદી
વિરાટ કોહલીએ આફ્રિકા સામે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ કોહલીના વનડે કરિયરની 49મી સદી છે. આ સાથે કોહલીએ સચિનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે પણ પોતાના વનડે કરિયરમાં 49 સદી ફટકારી હતી. કોહલીએ પોતાના જન્મ દિવસના દિવસે સદી ફટકારી છે.
કેએલ રાહુલ 17 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ શમ્સીનો શિકાર બન્યો હતો. રવિન્દ્ર જાડેજાએ અંતમાં 15 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે અણનમ 29 રન ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube