IND vs SA: સંજૂ સેમસન અને તિલક વર્માની સદી, ભારતે આફ્રિકા સામે ફટકાર્યા 283 રન
IND vs SA: ભારતીય યુવા ટીમ ટી20 ક્રિકેટમાં ધમાલ મચાવી રહી છે. ભારતે સાઉથ આફ્રિકા સામે ચોથી ટી20માં કમાલ કરી દીધો છે. ભારત તરફથી સંજૂ સેમનસ અને તિલક વર્માએ સદી ફટકારી છે. આ સાથે ભારતે સાઉથ આફ્રિકા સામે સૌથી મોટો ટી20 સ્કોર બનાવ્યો છે.
જોહનિસબર્ગઃ ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે ચોથી ટી20 મેચમાં ધમાલ મચાવી દીધી છે. ભારતે સાઉથ આફ્રિકા સામે ટી20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્મા અને સંજૂ સેમસનની સદીની મદદથી 20 ઓવરમાં 1 વિકેટે 283 રન ફટકાર્યા છે. ભારત તરફથી તિલક વર્માએ અણનમ 120 અને સંજૂ સેમસને અણનમ 109 રન ફટકાર્યા હતા.
અભિષેક અને સંજૂની આક્રમક શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ ઓવરમાં અભિષેક શર્માને જરૂર જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ સંજૂ સેમસન અને અભિષેક શર્માએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. ભારતે પાવરપ્લેમાં 73 રન ફટકારી દીધા હતા. અભિષેક શર્મા 18 બોલમાં 2 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 36 રન બનાવી આઉટ થયો હતો.
સંજૂ સેમસને ફટકારી સદી
સંજૂ સેમસન છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. સંજૂ બીજી અને ત્રીજી ટી20 મેચમાં શૂન્ય રન બનાવી આઉટ થઈ ગયો હતો. પરંતુ ચોથી ટી20 મેચમાં શાનદાર સદી ફટકારી હતી. સંજૂ સેમસને 51 બોલમાં પોતાની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી. આ દરમિયાન સંજૂએ 6 ચોગ્ગા અને 8 સિક્સ ફટકારી હતી. સંજૂ સેમસને સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી20 મેચમાં પણ સદી ફટકારી હતી. આ સાથે તે એક વર્ષમાં ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પ્રથમ બેટર બની ગયો હતો. સંજૂ સેમસન 56 બોલમાં 109 રન બનાવી અણનમ રહ્યો હતો.
તિલક વર્માની સતત બીજી સદી
ભારતીય ટીમ તરફથી ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ પણ સતત બીજી ટી20 સદી ફટકારી હતી. તિલક વર્માએ પણ આક્રમક બેટિંગ કરતા માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. પોતાની ઈનિંગ દરમિયાન તિલક વર્માએ 9 સિક્સ અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા સતત બે ટી20 મેચમાં સદી ફટકારનાર બીજો ભારતીય અને ઓવરઓલ પાંચમો ખેલાડી બની ગયો છે. આ પહેલા ભારત તરફથી સંજૂ સેમસને સતત બે મેચમાં બે સદી ફટકારી હતી. તિલક વર્મા 47 બોલમાં 120 રન બનાવી અણનમ રહ્યો હતો.
સૌથી મોટી ભાગીદારી
તિલક વર્મા અને સંજૂ સેમસને બીજી વિકેટ માટે માત્ર 86 બોલમાં 210 રનની ભાગીદારી કરી હતી. આ પણ એક રેકોર્ડ બની ગયો છે. ભારતે પોતાની ઈનિંગમાં કુલ 23 સિક્સ ફટકારી હતી.