ગુવાહાટીઃ વિરાટ કોહલીની શાનદાર સદી (113) તથા રોહિત શર્મા (83) તથા શુભમન ગિલ (70) ની દમદાર બેટિંગની મદદથી ભારતે ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડેમાં શ્રીલંકા સામે 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા છે અને મહેમાન ટીમને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને બંને ઓપનરોએ આક્રમક શરૂઆત અપાવી હતી. મહત્વનું છે કે ગુવાહાટી એક હાઈસ્કોરિંગ ગ્રાઉન્ડ છે, જેનો ફાયદો ભારતીય બેટરોએ ઉઠાવ્યો હતો. શ્રીલંકાએ 10 ઓવરમાં 88 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના ઓપનરોની આક્રમક શરૂઆત
ગુવાહાટી વનડેમાં શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ ઓવરથી આક્રમક વલણ દાખવ્યું હતું. ભારતે પાવરપ્લેનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. પ્રથમ 10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર વિના વિકેટે 75 રન હતો. 


ગિલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 60 બોલમાં 11 ચોગ્ગા સાથે 70 રન બનાવી શનાકાનો શિકાર બન્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 67 બોલમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 83 રન બનાવી મદુશંકાનો શિકાર બન્યો હતો. ભારતે 173 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ અય્યર 24 બોલમાં 28 રન બનાવી આઉટ થયો હતો. અય્યરે પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 


ભારતીય ટીમે 41મી ઓવરનો પોતાના સ્કોર 300ને પાર પહોંચાડી દીધો હતો. કેએલ રાહુલે વિરાટ કોહલી સાથે મળીને ચોથી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 29 બોલમાં 4 ફોર અને એક સિક્સ સાથે 39 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા માત્ર 12 રન બનાવી રજિથાનો શિકાર બન્યો હતો. 


વિરાટ કોહલીની વનડેમાં 45મી સદી
ભારતને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવ્યા બાદ વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 45મી સદી ફટકારી હતી. કોહલીએ ગુવાહાટી વનડેમાં માત્ર 80 બોલમાં 10 ચોગ્ગા અને એક સિક્સ સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની 73મી સદી છે. કોહલીએ વનડેમાં 45, ટેસ્ટમાં 27 અને ટી20માં એક સદી ફટકારી છે. તો વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે કોહલીની 9મી સદી છે. કોહલી 87 બોલમાં 12 ફોર અને એક સિક્સ સાથે 113 રન બનાવી આઉટ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube