મુંબઈઃ વિરાટ કોહલી (88 રન), શુભમન ગિલ (92 રન) અને શ્રેયસ અય્યર (82 રન) શાનદાર બેટિંગની મદદથી ભારતે શ્રીલંકા સામે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન ફટકાર્યા છે અને શ્રીલંકાને જીત માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ગિલ, વિરાટ અને અંતમાં અય્યરે આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 350ને પાર પહોંચાડ્યો હતો. શ્રીલંકા તરફથી મધુશંકાએ 5 વિકેટ લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ ગ્રાઉન્ડમાં રોહિત શર્મા ફ્લોપ
મુંબઈના વાનખેડેમાં ટોસ જીતીને શ્રીલંકાએ ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પોતાના હોમ ગ્રાઉન્ડમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. ઈનિંગના પ્રથમ બોલ પર રોહિતે બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ બીજા બોલ પર રોહિત શર્મા બોલ્ડ થયો હતો. ભારતને 4 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલ અને રોહિતે ઈનિંગ સંભાળી હતી. શરૂઆતી ઓવરોમાં શ્રીલંકાએ સારી બોલિંગ કરી હતી. કોહલી અને ગિલને જીવનદાન પણ મળ્યા હતા. 


વિરાટ કોહલી અને ગિલ વચ્ચે 189 રનની ભાગીદારી
ભારતે પ્રથમ પાવરપ્લેમાં 60 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને શુભમન ગિલે શરૂઆતી ઓવર બાદ શાનદાર રીતે શ્રીલંકન બોલરોનો સામનો કર્યો હતો. બંનેએ ભારતની રનરેટ પણ 6થી ઉપર પહોંચાડી દીધી હતી. ગિલ અને વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. બંને ખેલાડી મોટી ઈનિંગ રમશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ ગિલ અને વિરાટ સદી ચુકી ગયા હતા. 


શુભમન ગિલ 92 બોલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 92 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે 189 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. ત્યારબાદ  વિરાટ કોહલી પણ 94 બોલમાં 11 ચોગ્ગા સાથે 88 રન બનાવી આઉટ થયો હતો. બંને ખેલાડીઓ સદી ચુકી ગયા હતા. મધુશંકાએ ગિલ અને કોહલીને આઉટ કર્યા હતા. ભારતે 196 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 


અય્યર અને જાડેજાએ સ્કોર પહોંચાડ્યો 350ને પાર
ભારતે એક સાથે ગિલ અને કોહલીને વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 19 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ પણ 12 રન બનાવી આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી હતી. અય્યર 56 બોલમાં 6 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 82 રન બનાવી આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 35 રન બનાવી રનઆઉટ થયો હતો.


દિલશાન મધુશંકાની 5 વિકેટ
શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ શાનદાર બોલિંગ કરી હતી. મધુશંકાએ 10 ઓવરમાં 80 રન આપી 5 વિકેટ ઝડપી હતી. મધુશંકાએ રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરને પેવેલિયન પરત મોકલ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube