IND vs SL: ત્રીજી વનડે પહેલા ટીમ ઈન્ડિયાએ લીધા આશીર્વાદ, દેશી અંદાજમાં કરી પૂજા અર્ચના
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝનો અંતિમ મુકાબલો તિરૂવનંતપુરમમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ અહીં પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે મંદિરના પુરોહિતોની સાથે તસવીર પણ લીધી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
તિરૂવનંતપુરમઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સિરીઝનો છેલ્લો મુકાબલો તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલા માટે ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે. શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ તિરૂનંતપુરમના પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને વોશિંગટન સુંદર જેવા ખેલાડીઓ જોવા મળી રહ્યાં છે.
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ ત્રીજો અને અંતિમ મુકાબલો 15 જાન્યુઆરીએ રમવાનો છે. આ પહેલા બે વનડે મેચમાં ભારતીય ટીમે સતત જીત મેળવી સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝનો પહેલો મુકાબલો ગુવાહાટીમાં રમાયો હતો, જ્યારે બીજી મેચ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી.
શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઈ શકે છે. શરૂઆતી બે મેચ જીતીને ભારતે પહેલાથી સિરીઝ કબજે કરી લીધી છે. તેવામાં ટોપ ઓર્ડરમાં કેટલાક મુખ્ય ફેરફાર જોવા મળી શકે છે.
પહેલી બે વનડેમાં બહાર રહેલ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. તેવામાં વિરાટ કોહલી અને કેપ્ટન રોહિતને આરામ આપવામાં આવી શકે છે. પરંતુ આ નિર્ણય ટીમ મેનેજમેન્ટની ઉપર છે કે તે ક્યા પ્રકારની ટીમ પસંદ કરે છે.
ત્રીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11
શુભમન ગિલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, શમી, મોહમ્મદ સિરાજ.
ત્રીજી વનડે માટે શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ 11
પાથુમ નિસાંકા, નુવાનિડુ ફર્નાન્ડો, ચરિથ અસલંકા, દસુન શનાકા, ડીડી સિલ્વા, વાનિંદુ હસરંગા, ચામીરા કરૂણારત્ને, દુનિથ વેલાલેઝ, કુશલ મેન્ડિસ, લાહિરૂ કુમારા, કુશાન રજિથા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube