IND vs SL: કરિયરની 100મી ટેસ્ટમાં વિરાટ 45 રન બનાવી આઉટ થશે, 10 કલાક પહેલાં થઈ ગઈ હતી ભવિષ્યવાણી
ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી મોહાલીમાં શ્રીલંકા સામે પોતાના કરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. વિરાટ કોહલી પ્રથમ ઈનિંગમાં 45 રન બનાવી આઉટ થયો હતો. વિરાટની વિકેટ પડ્યા બાદ એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં વિરાટના આઉટ થવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
મોહાલીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 45 રન બનાવી આઉટ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મેચ પહેલાં કરિયરની 100મી ટેસ્ટ રમી રહેલાં કોહલીનું સન્માન કર્યુ હતું. વિરાટની 100મી ટેસ્ટની ક્રિકેટ ફેન્ટ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ મેચ પહેલાં વિરાટ કોહલીને લઈને એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને તે સાચી પડી છે. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. શ્રુતિ નામના એક ટ્વિટર એકાઉન્ટ પરથી મેચ શરૂ થયાના 10 કલાક પહેલાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આજે કોહલી 45 રન પર આઉટ થશે અને તેની વિકેટ શ્રીલંકાનો સ્પિન બોલર લાસિથ એમ્બુલડેનિયા લેશે. વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી નિરાશ જોવા મળશે.
શ્રીલંકા વિરુદ્ધ બેટિંગ કરવા ઉતરેલા વિરાટ કોહલી સાથે એવું જ થયું, જે ટ્વીટમાં લખવામાં આવ્યું હતું. તો આ ટ્વીટને રીટ્વીટ કરતા ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ 'વાવ' લખ્યું છે.
શ્રુતિ નામના એક ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરવામાં આવ્યું- કોહલી પોતાની 100મી ટેસ્ટમાં 100 રન નહીં બનાવે. 4 શાનદાર કવર ડ્રાઇવની સાથે 100 બોલમાં 45 રન બનાવશે અને પછી એમ્બુલડેનિયા તેને બોલ્ડ કરશે અને કોહલી આઉટ થયા બાદ ખુબ ચોંકી જશે. નિરાશા વ્યક્ત કરવા તે પોતાનું માથુ હલાવશે.
IND vs SL: કરિયરની 100મી ટેસ્ટ, રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને સોંપી સ્પેશિયલ કેપ, અનુષ્કા રહી હાજર
પરંતુ આ ભવિષ્યવાણીની એક વાત ખોટી પડી છે, જેમ કે વિરાટ કોહલીએ પોતાની ઈનિંગમાં 76 બોલનો સામનો કર્યો અને 45 રન બનાવ્યા. તેણેપોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ ટ્વિટરની ભવિષ્યવાણી જોઈને લોકો તેની તુલના જોફ્રા આર્ચર સાથે કરવા લાગ્યા, જેના ટ્વીટ હંમેશા વાયરલ થતાં રહે છે. તો કેટલાક યુઝર્સે લખ્યું કે, મારી પણ ભવિષ્યવાણી કરી દો.
શ્રીલંકા વિરુદ્ધ મેચની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 8 હજાર રન પૂરા કરી લીધા છે. મોહાલી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 38 રન પૂરા કરવાની સાથે કોહલીએ આ સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 8 હજાર રન પૂરા કરનાર કોહલી ભારતનો છઠ્ઠો ખેલાડી બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, વીરેન્દ્ર સહેવાગ અને વીવીએસ લક્ષ્મણ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube