કિંગ્સટનઃ બે ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું છે. 468 રનના લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝ ટીમે પોતાની બીજી ઈનિંગમાં માત્ર 45 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી છે. હવે ટીમ ઈન્ડિયાને જીત માટે માત્ર 8 વિકેટની જરૂર છે તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્યથી 423 રન પાછળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ટીમ ઈન્ડિયાએ દિવસની રમત શરૂ થયા બાદ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઈનિંગમાં 117 રનમાં ઓલઆઉટ કરીને 299 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝને ફોલોઓન ન આપ્યું અને પોતાની બીજી ઈનિંગને 4 વિકેટ પર 168 રન બનાવી ડિકલેર કરી હતી. જેથી યજમાન ટીમને 468 રનનો લક્ષ્ય મળ્યો હતો. ત્યારબાદ દિવસના અંતે 13 ઓવરમાં વિન્ડીઝે 45 રન બનાવતા પોતાના બંન્ને ઓપનિંગ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. 


બીજી ઈનિંગમાં વિન્ડીઝની ઓપનિંગ જોડી ફ્લોપ
વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગની શરૂઆત ક્રેગ બ્રેથવેટ અને જોન કેમ્પબલે કરી હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા ઈશાંત શર્માએ અપાવી જ્યારે ત્રીજી ઓવરમાં બ્રેથવેટ (3) વિકેટની પાછળ રિષભ પંતના હાથે આઉટ થયો હતો. ત્યારબાદ કેમ્પબેલ (16)ને શમીએ વિરાટ કોહલીના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તે સમયે યજમાન ટીમનો સ્કોર માત્ર 37 રન હતો. ત્યારબાદ ક્રીઝ પર ડેરેન બ્રાવો અને શમરાહ બ્રુક્સે અંતિમ પાંચ ઓવરમાં વિકેટ બચાવીને દિવસની સમાપ્તિ કરી હતી. 


બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના ઓપનર ફેલ
પ્રથમ ઈનિંગમાં 299 રનની લીડ મળ્યા બાદ ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં શરૂઆત ખરાબ રહી અને કેમાર રોચે પહેલા મયંક અગ્રવાલ (6)ને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ રાહુલ (6) પણ ટીમના કુલ સ્કોર 36 પર આઉટ થયો હતો. વિરાટ કોહલીને પણ રોચે ગોલ્ડન ડક પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પૂજારાએ રહાણે સાથે મળીને ટીમ ઈન્ડિયાનો સ્કોર 50ને પાર કરાવ્યો પરંતુ તે 27 રન બનાવી હોલ્ડરની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ રહાણે (64) અને વિહારી (53)એ 111 રનની અણનમ ભાગીદારી કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ દાવ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો. 


વિન્ડીઝની પ્રથમ ઈનિંગ, ભારતીય બોલરોને જલવો
પ્રથમ ઈનિંગમાં વિન્ડીઝની શરૂઆત ખરાબ રહી અને ટીમના ઓપનિંગ બેટ્સમેન જોન કેમ્પબેલને જસપ્રીત બુમરાહે માત્ર બે રન પર આઉટ કરી દીધો હતો. કેમ્પબેલનો કેચ રિષભ પંતે ઝડપ્યો હતો. જસપ્રીત બુમરાહે ડેરેન બ્રાવોને 4 રન પર, બ્રુક્સને શૂન્ય પર અને રોસ્ટન ચેઝને શૂન્ય પર આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. આ જસપ્રીત બુમરાહની ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક હતી. બુમરાહે પોતાનો પાંચમો શિકાર ક્રેગ બ્રેથવેટને બનાવ્યો હતો. બુમરાહે તેને 10 રનના સ્કોર પર વિકેટની પાછળ રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝને છઠ્ઠો ઝટકો શમીએ આપ્યો હતો. તેણે હેટમાયર (34)ને બોલ્ડ કર્યો હતો. 


બુમરાહે વિન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરને આઉટ કરીને પોતાની છઠ્ઠી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ શમીએ કર્નવાલ (14)ને રહાણેના હાથે કેચઆઉટ કરાવીને ભારતને આઠમી સફળતા અપાવી હતી. ઈશાંક શર્માએ હેમિલ્ટન (5)ની વિકેટ ઝડપી હતી. જાડેજાએ કેમેરા રોચ (17)ને આઉટ કરીને વિન્ડીઝની ઈનિંગનો અંત કર્યો હતો. 


ભારતની પ્રથમ ઈનિંગમાં જસપ્રીત બુમરાહે છ વિકેટ, શમીએ બે જ્યારે ઈશાંત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.