IND vs WI : `મેન ઓફ ધ સીરીઝ` પૃથ્વીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, ટીમમાં પરિવાર જેવું વાતાવરણ
પૃથ્વી શોએ ટેસ્ટમાં પદાર્પણની સાથે જ અનેક રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ વિનિંગ શોટ લગાવવાનો તેનો રેકોર્ડ અનોખો રહ્યો છે
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભલે નબળી સાબિત થઈ હોય, પરંતુ આ શ્રેણીમાં ભારતને પૃથ્વી શોના સ્વરૂપમાં એક નવો સ્ટાર જરૂર મળ્યો છે. પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ પૃથ્વીએ પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી અને બીજી ટેસ્ટમાં પોતાનો દબદબો જાળવી રાખીને 70 અને 33 રન બનાવ્યા. શ્રેણીમાં સૌથી વધુ 237 રન બનાવનારા પૃથ્વીને 'મેન ઓફ ધ સીરીઝ' પસંદ કરાયો હતો.
ટીમમાં કોઈ જુનિયર, સિનિયર નહીં
પૃથ્વીએ પ્રથમ ટેસ્ટના ડ્રેસિંગ રૂમના અનુભવ અંગે જણાવ્યું કે, ટીમમાં કોઈ જુનિયર કે સિનિયર નથી. અહીં બધા જ પરિવારના સભ્યની જેમ રહે છે. મેચ બાદ શોએ જણાવ્યું હતું કે, "મારા માટે આ આનંદની ક્ષણ છે. ભારત માટે એક મેચ પુરી કરવી ગર્વની વાત છે. મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રેણી 'મેન ઓફ ધ સીરીઝ' એવોર્ડ સાથે પુરી કરી તે ઘટના આજીવન યાદ રહેશે."
સૌથી નાની વયે વિજયી શોટ
આ શ્રેણીમાં પૃથ્વીએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. શ્રેણીનો અંત સૌથી રસપ્રદ રહ્યો. તે વિજેતા શોટ લગાવનારો ભારતનો સૌથી નાની વયનો બેટ્સમે બની ગોય અને દુનિયામાં આ બાબતે બીજા ક્રમે રહ્યો. પૃથ્વીએ 18 વર્ષ અને 339 દિવસમાં ટીમ ઈન્ડિયા માટે વિજયી શોટ ફટકાર્યો હતો. તેનાથી આગળ ઓસ્ટ્રેલિયાનો પેટ કમિંગ્સ છે, જેણે 18 વર્ષ 198 દિવસની ઉંમરે વિજયી શોટ લગાવ્યો હતો.
પ્રથમ ટેસ્ટમાં સૌથી નાની વયે સદી
આ શ્રેણીની રોજકોટ ટેસ્ટમાં પદાર્પણ ટેસ્ટમાં જ સદી ફટકારનારો પૃથ્વી સૌથી નાની વયનો ખેલાડી બન્યો છે. તેણે 8 વર્ષ 329ની વયે સદી ફટકારી હતી. પદાર્પણ ટેસ્ટમાં સૌથી નાની વયે સદી લગાવાની બાબતે તે ચોથા સ્થાને છે. બાંગ્લાદેશનો મોહમ્મદ અશરફુલ (17 વર્ષ 61 દિવસ), ઝિમ્બાબ્વેનો એચ. મસકાદ્ઝા (17 વર્ષ 352 દિવસ) અને પાકિસ્તાનનો સલીમ મલિક (18 વર્ષ 323 દિવસ) પૃથ્વીથી આગળ છે.
રણજી, દીલિપ અને ટેસ્ટ ક્રિકેટ, ત્રણેયમાં પદાર્પણ સમયે ટેસ્ટ
પૃથ્વી શો એવો પ્રથમ ક્રિકેટર છે, જેણે પોતાની રણજી ટ્રોફી, દીલીપ ટ્રોફી અને ટેસ્ટ ક્રિકેટની પદાર્પણ મેચમાં સદી બનાવી હોય. તેણે પ્રથમ રણજી મેચમાં 120, દીલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં 154 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને રણજી અને દુલીપ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં સદી લગાવી હતી, પરંતુ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.
પ્રથમ ટેસ્ટમાં ત્રીજી સૌથી ઝડપી સદી
પૃથ્વી પદાર્પણ ટેસ્ટમાં સૌથી ઝડપથી સદી લગાવનારો ત્રીજો ક્રિકેટર બન્યો છે. તેણે 99 બોલમાં સદી ફટકારી હતી. પદાર્પણ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ શિખર ધવનના નામે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 85 બોલમાં સદી બનાવી હતી. બીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝનો ડેવેન સ્મિથ છે, જેણે દ.આફ્રિકા સામે 93 બોલમાં સદી ફટકારી હતી.