IND vs WI : વન ડે શ્રેણીની બાકીની ત્રણ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની બાકીની ત્રણ મેચમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરને સ્થાન અપાયું છે, જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બહાર બેસાડવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ બીસીસીઆઈની અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતીએ ગુરૂવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની બાકીની ત્રણ વન ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બહાર રાખવામાં આવ્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન અપાયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ગુરૂવારે ટીમની જાહેરાત કરાઈ હતી. પ્રથમ બે મેચ માટે 14 સભ્યોની ટીમ પસંદ કરાઈ હતી. હવે બાકીની ત્રણ મેચ માટે 15 સબ્યોની ટીમની જાહેરાત કરાઈ છે.
મોહમ્મદ શમીને પ્રથમ બે મેચમાં અંતિમ-11માં સ્થાન મળ્યું હતું, પરંતુ બાકીની મેચો માટે તેને આરામ અપાયો છે. બુમરાહ અને બુવનેશ્વરને પ્રથમ બે વન ડે મેચમાં આરામ અપાયો હતો. ખલીલ અહેમદને ટીમમાં સામેલ રખાયો છે. ત્રીજી મેચ પુણેમાં 27 ઓક્ટોબરે, ચોથી મેચ મુંબઈમાં 29 ઓક્ટોબરે અને પાંચમી મેચ તિરૂવનંતપુરમમાં 1 નવેમ્બરના રોજ રમાશે.
પ્રથમ બે વન ડેમાં ફાસ્ટ બોલિંગ નબળી રહી
પ્રથમ બે વન ડે મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગની સ્થિતી જોતાં બંને બોલરોનું પુનરાગમન મહત્વનું મનાય છે. પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને 323 રનનું લક્ષ્ય આપ્યું હતું તો બીજી વન ડેમાં 322 રનના લક્ષ્યનો પીછો કરતાં તેણે 321 રન બનાવીને મેચ ટાઈ કરી હતી.
મેચમાં ટાઈ બાદ પહેલા બેટિંગ કરવાના નિર્ણયનો કોહલીએ પોતાનો આમ કર્યો બચાવ
બીજી વન ડેમાં સ્થિતિ ખરાબ
પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝના 323 રનના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું. બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાના બોલરો વેસ્ટ ઈન્ડિઝને 322 રનના લક્ષ્ય સુધી પહોંચતું રોકવામાં તો સફળ રહ્યા, પરંતુ મેચને ટાઈ થતી અટકાવતાં રોકી શક્યા નહીં. બે મેચનું પરિણામ જોતાં સ્પષ્ટ દેખાતું હતું કે બાકીની ત્રણ મેચમાં બોલિંગમાં પરિવર્તનની જરૂર છે.
વિરાટ કોહલી બે વર્ષમાં સચિનની 49 સદીનો રેકોર્ડ તોડી શકે છે
વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ટાઈ રહી છે. શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે.
ભારતીય ટીમઃ
વિરોટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, ઋષભ પંત, એમ.એસ. ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, ઉમેશ યાદવ, કે.એલ. રાહુલ, મનીષ પાંડે.