દુબઈઃ એશિયા કપ-2022માં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પાકિસ્તાને સામે ભારતે 5 વિકેટે જીત મેળવી વિશ્વકપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ટોસ જીતીને ભારતે પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની ટીમ 147 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નસીમ શાહની પ્રથમ રોમાંચક ઓવર
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પોતાના કરિયરની પ્રથમ ટી20 મેચ રમી રહેલા યુવા ફાસ્ટ બોલર નસીમ શાહે બીજા બોલે કેએલ રાહુલને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. રાહુલ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. આજ ઓવરમાં નસીમે કોહલીને ફસાવ્યો પરંતુ ફખર જમાને સ્લીપમાં કેચ છોડી દીધો હતો. પાવરપ્લેમાં ભારતે 1 વિકેટે 38 રન બનાવ્યા હતા.


સેટ થયા બાદ કોહલી ખરાબ શોટ મારી આઉટ
1 રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ કોહલી અને રોહિતે બીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા આજે શાંત જોવા મળ્યો હતો. રોહિતે 18 બોલમાં 1 સિક્સ સાથે માત્ર 12 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી સેટ થઈ લયમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ કોહલી 34 બોલમાં 1 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 35 રન બનાવી આઉટ થયો હતો. આ બંને સફળતા સ્પીનર મોહમ્મદ નવાઝને મળી હતી. 


ભારતને 89 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો. સૂર્યકુમાર યાદવ 18 બોલમાં 18 રન બનાવી નસીમ શાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. રવીન્દ્ર જાડેજા 29 બોલમાં 2 ફોર અને બે સિક્સ સાથે 35 રન બનાવી બોલ્ડ થયો હતો. હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. હાર્દિક 17 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 33 રન બનાવી અણનમ રહ્યો હતો. 


પાવરપ્લેમાં ભુવનેશ્વરનો દબદબો
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં મોહમ્મદ રિઝવાનને LBW આઉટ કર્યો, પરંતુ રિવ્યૂ લેવાને કારણે તેને જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ ત્રીજી ઓવરમાં ભુવીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને 10 રને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ પાકનો સ્કોર 42 રન હતો ત્યારે ફખર જમાનના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. જમાન 10 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં પાકિસ્તાને 2 વિકેટે 43 રન બનાવ્યા હતા. 


મિડલ ઓવરમાં હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગ
43 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ રિઝવાન અને ઇફ્તિખાર અહમદે ત્રીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. આ પાર્ટનરશિપ ભારત માટે ખતરો બને તે પહેલા હાર્દિક પંડ્યાએ ઇફ્તિખાર (28)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ હાર્દિકે રિઝવાન (46) ને આઉટ કરી પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. રિઝવાને 42 બોલમાં 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ પોતાની ત્રીજી વિકેટ ઝડપતા ખુશદિલ શાહ (2) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


ભુવનેશ્વર કુમારની ચાર વિકેટ
પાકિસ્તાનનો સ્કોર 112 રન હતો ત્યારે ટીમને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. ભુવીએ આસિફ અલી (9) ને આઉટ કરી પોતાની બીજી સફળતા મેળવી હતી. ત્યારબાદ શાદાબ ખાન )10) અને નસીમ શાહ (0) ને પણ ભુવીએ LBW આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. અંતમાં શાહનવાઝ દહાનીએ બે છગ્ગા ફટકારી પાકિસ્તાનનો સ્કોર 145ને પાર કરાવ્યો હતો. 


ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 26 રન આપી ચાર વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ અને અર્શદીપે બે વિકેટ લીધી હતી. એક સફળતા આવેશ ખાનને મળી હતી. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમવાર બન્યું છે જ્યારે ભારતના ફાસ્ટ બોલરે તમામ 10 વિકેટ ઝડપી હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube