હોકીઃ ભારતે વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમને સતત બીજીવાર હરાવ્યું
ભારતીય હોકી ટીમે બેલ્જિયમના પ્રવાસ પર પોતાની પ્રથમ મેચમાં યજમાન ટીમને 2-1, સ્પેનને સતત બે મેચોમાં 6-1 અને 5-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમની વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ પર આ સતત બીજી જીત છે.
એંડવર્પ (બેલ્જિયમ): ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જિયમના પ્રવાસ પર પોતાનું અપરાજીત અભિયાન જારી રાખતા મંગળવારે અહીં યજમાન ટીમને 2-1થી પરાજય આપ્યો હતો. આ જીત બાદ ભારતીય ટીમે ત્રણ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ પર આ સતત બીજી અને બેલ્જિયમ પ્રવાસ પર સતત ચોથી જીત છે. વિજેતા ભારતીય ટીમ માટે અિત રોહિદાસ અને સિમરનજીત સિંહે એક-એક ગોલ કર્યો હતો.
ભારતીય ટીમ તરફથી સ્ટાર ખેલાડી મનદીપ સિંહ પોતાની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. ભારતે પ્રવાસમાં પોતાની પ્રથમ મેચમાં યજમાન બેલ્જિયમને 2-1થી, સ્પેનને સતત બે મેચોમાં 6-1 અને 5-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમે મુકાબલાની આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ ક્વાર્ટરની સમાપ્તી પહેલા 10મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને રોહિદાસે તેને ગોલમાં ફેરવીને ભારતને 1-0ની લીડ અપાવી દીધી હતી.
બીજા ક્વાર્ટરમાં યજમાન બેલ્જિયમે વાપસી કરવાનો પ્રયત્ન કર્યો અને આક્રમક હોકી રમી પરંતુ ભારતે પોતાના મજબૂત ડિફેન્સના માધ્યમથી યજમાન ટીમને બરોબરી કરવાથી દૂર રાખ્યું હતું.
પીઠમાં ઈજાને કારણે લાંબા સમય સુધી બહાર રહી શકે છે હાર્દિક પંડ્યા
મેચના ત્રીજા ક્વાર્ટરમાં ફેલિક્સ ડેનાયરે 33મી મિનિટમાં ગોલ કરીને બેલ્જિયમને 1-1ની બરોબરી અપાવી હતી. ત્યારબાદ ભારતે ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં 53મી મિનિટે સિમરનજીતના ગોલની મદદથી 2-1ની લીડ હાસિલ કરી હતી. ભારતે આ લીડને અંત સુધી જાળવી રાખતા મેચ પોતાના નામે કરી હતી.